<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

BMC ચૂંટણીમાં ભડકો: પૂર્વ મેયર કિશોરી પેડણેકરના ફોર્મને હાઈકોર્ટમાં પડકારાયું, 5 FIR છુપાવ્યાનો ગંભીર આક્ષેપ; એકનાથ શિંદેની શિવસેનાએ 'ગેરલાયક' ઠેરવવા કરી માંગ

“સોગંદનામામાં સત્ય છુપાવ્યું”: કોવિડ કૌભાંડ સહિતના ગંભીર કેસોની વિગતો ન આપી હોવાનો સુસી શાહનો દાવો, જોકે હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની હાઈ-વોલ્ટેજ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય ગરમાવો બોમ્બે હાઈકોર્ટના દરવાજા સુધી પહોંચ્યો છે. શિવસેના (શિંદે જૂથ) ના પ્રવક્તા સુસી શાહે ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવાર અને મુંબઈના પૂર્વ મેયર કિશોરી પેડણેકરની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં ધા નાખી છે. આ અરજીમાં આક્ષેપ કરાયો છે કે પેડણેકરે પોતાના ચૂંટણી સોગંદનામામાં અનેક ગુનાહિત ઈતિહાસની વિગતો છુપાવી છે.
૫ એફઆઈઆર છુપાવ્યાનો આરોપ
વોર્ડ નંબર ૧૯૯ (મધ્ય મુંબઈ) થી ઉમેદવારી નોંધાવનાર કિશોરી પેડણેકર સામે સુસી શાહે આરોપ લગાવ્યો છે કે તેમણે ઈરાદાપૂર્વક મહત્વના તથ્યો દબાવ્યા છે. અરજી મુજબ, પેડણેકર સામે મુંબઈના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પાંચ જેટલી એફઆઈઆર (FIR) નોંધાયેલી છે, જેમાં કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન બોડી બેગની ખરીદીમાં થયેલી કથિત છેતરપિંડીના કેસનો પણ સમાવેશ થાય છે. આ વિગતો સોગંદનામામાં ન દર્શાવીને તેમણે ચૂંટણી પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો હોવાનું અરજીમાં જણાવાયું છે.
હાઈકોર્ટનો તત્કાલ રાહત આપવાનો ઇનકાર
મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચ સમક્ષ આ મામલે તાત્કાલિક સુનાવણી માટે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે ૧૫ જાન્યુઆરીએ જ મતદાન થવાનું છે અને હવે બહુ ઓછો સમય બાકી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અત્યારે ચૂંટણી પ્રક્રિયા રોકી શકાય નહીં, તેથી આ અરજી પર હવે ચૂંટણી પછી જ સુનાવણી હાથ ધરવામાં આવશે.
રાજકીય લડાઈ તેજ
આ ઘટનાને પગલે બંને શિવસેના વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દૌર શરૂ થયો છે. શિંદે જૂથનું કહેવું છે કે જે ઉમેદવાર પોતાના ગુનાહિત ઈતિહાસ વિશે પારદર્શક નથી, તેને ચૂંટણી લડવાનો કોઈ નૈતિક અધિકાર નથી. બીજી તરફ, યુબીટી (UBT) જૂથે તેને રાજકીય દ્વેષથી પ્રેરાયેલું પગલું ગણાવ્યું છે. હવે ૧૫ જાન્યુઆરીએ યોજાનારી BMCની આ જંગમાં જનતા કોના પક્ષમાં ચુકાદો આપે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

(6:13 PM IST)