<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

ચૂંટણી પંચની અજીબ નોટિસ: ૧૯૭૧ના યુદ્ધના હીરો અને પૂર્વ નેવી ચીફ એડમિરલ અરુણ પ્રકાશને ઓળખ સાબિત કરવા રૂબરૂ બોલાવ્યા, સોશિયલ મીડિયા પર ભભૂક્યો રોષ

૮૨ વર્ષના નિવૃત્ત એડમિરલને ૧૮ કિમી દૂર હાજર રહેવા આદેશ: “સરકારી ડેટાબેઝમાં બધું જ છે, તો પછી આવી હેરાનગતિ કેમ?” - પૂર્વ નૌકાદળ પ્રમુખે ઉઠાવ્યા ગંભીર સવાલ

પણજી : ભારતીય ચૂંટણી પંચ (EC) દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કાર્યક્રમમાં એક એવી ઘટના બની છે જેણે દેશભરના નિવૃત્ત લશ્કરી અધિકારીઓ અને નાગરિકોમાં ભારે નારાજગી ફેલાવી છે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વીરતા બતાવનાર 'વીર ચક્ર' વિજેતા અને ભારતના પૂર્વ નૌકાદળ પ્રમુખ એડમિરલ અરુણ પ્રકાશ (નિવૃત્ત) ને પંચે તેમની ઓળખ સાબિત કરવા માટે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહેવા નોટિસ ફટકારી છે.
શું છે સમગ્ર વિવાદ?
નિવૃત્તિ બાદ ગોવામાં સ્થાયી થયેલા એડમિરલ અરુણ પ્રકાશે જણાવ્યું કે, તેમણે અને તેમના પત્નીએ મતદાર યાદી માટે જરૂરી તમામ ફોર્મ્સ ભર્યા હતા અને ૨૦૨૬ની ડ્રાફ્ટ યાદીમાં તેમના નામ જોઈને તેઓ ખુશ પણ હતા. પરંતુ અચાનક પંચ દ્વારા એક "સુનાવણી નોટિસ" જારી કરવામાં આવી, જેમાં તેમને ૧૮ કિમી દૂર આવેલી ઓફિસમાં અલગ-અલગ તારીખે રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે. ૮૨ વર્ષીય એડમિરલ અને તેમના ૭૮ વર્ષીય પત્ની માટે આ ઉંમરે આવી મુસાફરી કરવી અને ઓળખ સાબિત કરવી એ વ્યવસ્થાની મોટી ખામી ગણાવી રહ્યા છે.
"અનમેપ્ડ" શ્રેણીનો પેચ
દક્ષિણ ગોવાના જિલ્લા કલેક્ટર અને રિટર્નિંગ ઓફિસરના જણાવ્યા અનુસાર, એડમિરલ પ્રકાશની વિગતો ૨૦૦૨ પછી અપડેટ થઈ ન હોવાથી તેઓ "અનમેપ્ડ" (Unmapped) શ્રેણીમાં આવે છે. આથી નિયમ મુજબ તેમની ઓળખની ચકાસણી કરવી જરૂરી છે. જોકે, પંચની આ દલીલ સામે સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર આક્રોશ
નેટીઝન્સ અને અન્ય નિવૃત્ત લશ્કરી અધિકારીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે, જે વ્યક્તિનું પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO), વેટરન કાર્ડ અને 'જીવન પ્રમાણપત્ર' પહેલેથી જ સરકારી ડેટાબેઝમાં ઉપલબ્ધ છે, તેમની ઓળખ માટે કીબોર્ડ પર થોડી કી પંચ કરવાને બદલે તેમને રૂબરૂ કેમ બોલાવવામાં આવે છે? એડમિરલ પ્રકાશે પણ ટ્વિટ (X) કરીને સૂચન કર્યું છે કે જો SIR ફોર્મમાં પૂરતી માહિતી નથી મળી રહી, તો સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ, નહીં કે વરિષ્ઠ નાગરિકોને હેરાન કરવા જોઈએ.
તંત્રનો બચાવ
વિવાદ વધતા રિટર્નિંગ ઓફિસરે ખાતરી આપી છે કે તેઓ સોમવારે એડમિરલના ફોર્મની વ્યક્તિગત રીતે તપાસ કરશે અને અધિકારીઓ તેમનો સંપર્ક કરશે. હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પંચ એક વીર સૈનિક અને પૂર્વ સેનાધ્યક્ષના ઘરે જઈને પ્રોટોકોલ મુજબ ચકાસણી કરે છે કે પછી નિયમોના નામે હેરાનગતિ ચાલુ રાખે છે.

(6:15 PM IST)