મીકા સિંહનું મોટું દિલ: રખડતા કૂતરાઓના આશરા માટે ૧૦ એકર જમીન દાન કરવાની કરી જાહેરાત; સુપ્રીમ કોર્ટને પણ કરી ખાસ અપીલ
“મારી પાસે પૂરતી જમીન છે, મૂંગા જીવોને રક્ષણ આપો”: રખડતા શ્વાનના વધતા ત્રાસ વચ્ચે સિંગરે માનવતા બતાવી; સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘કૂતરાઓને દૂર કરવા અમારો હેતુ નથી, માત્ર વસ્તી નિયંત્રણ પર છે ધ્યાન’

મુંબઈ: બોલીવુડના જાણીતા પંજાબી ગાયક અને અભિનેતા મીકા સિંહે રખડતા કૂતરાઓના કલ્યાણ માટે એક મોટું અને પ્રશંસનીય પગલું ભર્યું છે. દેશમાં રખડતા કૂતરાઓના સંચાલન અને તેમના કરડવાના વધતા બનાવો વચ્ચે ચાલી રહેલી કાનૂની ચર્ચામાં ઝંપલાવતા મીકાએ આ મૂંગા જીવોના આશ્રય માટે પોતાની ૧૦ એકર જમીન દાનમાં આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
સુપ્રીમ કોર્ટને ભાવુક અપીલ
મીકા સિંહે સોશિયલ મીડિયા દ્વારા સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે રખડતા કૂતરાઓના કલ્યાણ પર પ્રતિકૂળ અસર કરે તેવા કોઈપણ કડક પગલાં લેવાથી કોર્ટ દૂર રહે. તેમણે લખ્યું, "હું સુપ્રીમ કોર્ટને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે પશુઓના અધિકારોનું રક્ષણ કરવામાં આવે. મારી પાસે પૂરતી જમીન છે અને હું ખાસ કરીને શ્વાનોની સંભાળ, આશ્રય અને સ્વાસ્થ્ય સુવિધાઓ માટે ૧૦ એકર જમીન દાન કરવા તૈયાર છું."
માત્ર જમીન નહીં, સંભાળ પણ જરૂરી
મીકા સિંહે માત્ર જમીન જ નહીં, પરંતુ ત્યાં આધુનિક આશ્રયસ્થાનો બનાવવા અને કૂતરાઓની વૈજ્ઞાનિક ઢબે સંભાળ રાખવા માટે યોગ્ય સ્ટાફની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે જો સરકાર કે કોઈ સંસ્થા યોગ્ય કેર-ટેકર્સ પૂરા પાડે, તો તેઓ આ જમીન પર કૂતરાઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે તમામ જરૂરી સુવિધાઓ ઉભી કરવા માંગે છે.
સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ રદિયો
બીજી તરફ, રખડતા કૂતરાઓના મુદ્દે સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચે (જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયા) સ્પષ્ટતા કરી છે કે કોર્ટનો હેતુ કૂતરાઓને સંપૂર્ણપણે દૂર કરવાનો નથી. કોર્ટનું ધ્યાન માત્ર 'પશુ જન્મ નિયંત્રણ' (ABC) અધિનિયમ ૨૦૨૩ ના અસરકારક અમલીકરણ પર છે. કોર્ટે માનવ સલામતી અને પ્રાણી કલ્યાણ વચ્ચે સંતુલન જાળવવા નસબંધી અને રસીકરણ પર ભાર મૂક્યો છે.
સ્થાનિક સત્તાવાળાઓ જ્યારે નસબંધીના નિયમો લાગુ કરવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે મીકા સિંહ જેવી સેલિબ્રિટી દ્વારા કરવામાં આવેલી આ પહેલ પશુ પ્રેમીઓમાં આશાનું કિરણ જન્માવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
