<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

દુશ્મનોએ ઉડાવી મજાક તો જીદ પર આવી ગયા, ૩ વાર ફેઈલ થયા પછી ચોથા પ્રયાસમાં મેળવ્યો 66મો રેન્ક: જાણો કોણ છે IAS કૃષ્ણતેજા?

જ્યારે હાર માનીને ITમાં જવાના હતા ત્યારે દુશ્મનોએ બતાવી ‘ઓકાત’, એ જ નબળાઈઓને હથિયાર બનાવી બન્યા કલેક્ટર; હવે પવન કલ્યાણના ઓલ ઇન્ડિયા ફેમસ OSD તરીકે સંભાળે છે જવાબદારી

અમરાવતી: સામાન્ય રીતે લોકો પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા કે ગુરુઓને આપતા હોય છે, પરંતુ આંધ્રપ્રદેશના આઈ.એ.એસ. (IAS) અધિકારી કૃષ્ણતેજાની કહાની જરા હટકે છે. બાળપણથી ટોપર રહેલા કૃષ્ણતેજા જ્યારે સતત ત્રણ વખત UPSC ની પરીક્ષામાં નિષ્ફળ ગયા અને હારીને પ્રાઈવેટ નોકરી શોધવા લાગ્યા, ત્યારે તેમના 'દુશ્મનો' જ તેમની જીતનું કારણ બન્યા. આજે તેઓ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણના OSD (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) તરીકે ફરજ બજાવી રહ્યા છે.

દુશ્મનોએ બતાવ્યો અરીસો, મજાક બની પ્રેરણા

કૃષ્ણતેજા જણાવે છે કે ત્રણ વખત નિષ્ફળ ગયા પછી તેમનો આત્મવિશ્વાસ સાવ તૂટી ગયો હતો. તે સમયે ત્રણ લોકો, જેઓ તેમને નફરત કરતા હતા, તેમની મજાક ઉડાવવા આવ્યા. તેમણે કૃષ્ણતેજાની ત્રણ મોટી ભૂલો પકડી પાડી:

૧. ખરાબ અક્ષર: એકે કહ્યું કે તારા અક્ષર એટલા ખરાબ છે કે જવાબ સાચો હોવા છતાં માર્ક્સ કપાય છે.

૨. ટેકનિકલ લખાણ: બીજાએ ટોણો માર્યો કે એન્જિનિયરિંગની જેમ પોઈન્ટ્સમાં લખવાને બદલે નિબંધની જેમ સમજાવતા શીખ.

૩. ડિપ્લોમસીનો અભાવ: ત્રીજાએ કહ્યું કે તું ઈન્ટરવ્યુમાં બધું સીધું મોઢા પર બોલી દે છે, જ્યારે સિવિલ સર્વિસમાં રાજદ્વારી (Diplomatic) અભિગમ જરૂરી છે.

કૃષ્ણતેજાએ આ અપમાનને પચાવી લીધું અને આ ત્રણેય નબળાઈઓ પર એક વર્ષ સખત મહેનત કરી. પરિણામ એ આવ્યું કે ૨૦૧૪માં ચોથા પ્રયાસમાં તેમણે ઓલ ઈન્ડિયા ૬૬મો રેન્ક મેળવીને દુનિયાને ચોંકાવી દીધી.

કેરળમાં ૬૦૯ અનાથ બાળકોના બન્યા પાલક

ટ્રેનિંગ બાદ તેમને કેરળ કેડર મળી. ૨૦૨૩માં જ્યારે તેઓ ત્રિશુરના કલેક્ટર હતા, ત્યારે તેમણે એક અભૂતપૂર્વ કાર્ય કર્યું. કોવિડ-૧૯માં માતા-પિતા ગુમાવનારા ૬૦૯ અનાથ બાળકોને તેમણે દત્તક લીધા અને દાતાઓની મદદથી તેમના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી. આ ઉમદા કાર્ય માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો.

પવન કલ્યાણના બન્યા ખાસ અંગત

કૃષ્ણતેજાની કાર્યનિષ્ઠા અને સોશિયલ વર્કની ખ્યાતિ સાંભળીને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે તેમને પોતાની ટીમમાં સામેલ કર્યા. આજે તેઓ પવન કલ્યાણના સૌથી વિશ્વાસુ અધિકારીઓમાંના એક ગણાય છે. કૃષ્ણતેજાનો યુવાનોને એક જ સંદેશ છે: "જો તમારે તમારી શક્તિ જાણવી હોય તો મિત્રોને પૂછો, પણ જો નબળાઈ જાણવી હોય તો દુશ્મનોને સાંભળો."

(7:51 PM IST)