<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

“ગ્રીનલેન્ડ તો અમે લઈને જ જંપીશું”: ડોનાલ્ડ ટ્રમ્પની ડેનમાર્કને ખુલ્લી ચેતવણી; રશિયા અને ચીનનો ડર બતાવી આર્કટિક ટાપુ પર ‘કબજો’ કરવાની રણનીતિ કરી જાહેર

નાટો (NATO) વિશે પણ ટ્રમ્પના તેવર ગરમ: કહ્યું- “તેમને અમારી જરૂર છે, અમને તેમની નહીં”; ડેનમાર્કની રક્ષા પ્રણાલીની મજાક ઉડાવતા રાષ્ટ્રપતિએ ગ્રીનલેન્ડ ખરીદવા માટે લશ્કરી તાકાતનો આપ્યો સંકેત

વોશિંગ્ટન:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ગ્રીનલેન્ડ મેળવવાની પોતાની જીદ દોહરાવી છે. તેમણે માત્ર ડેનમાર્કની સાર્વભૌમત્વને ફગાવી જ નથી દીધી, પરંતુ ચેતવણી પણ આપી છે કે જો અમેરિકા ગ્રીનલેન્ડ નહીં લે, તો રશિયા અથવા ચીન આ વ્યૂહાત્મક આર્કટિક ટાપુ પર પોતાનો પ્રભાવ જમાવી લેશે.
 પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે ડેનમાર્કની સંરક્ષણ વ્યૂહરચનાની મજાક ઉડાવતા કહ્યું હતું કે, "શું તમે જાણો છો ગ્રીનલેન્ડની સુરક્ષા શું છે? માત્ર બે ડોગ સ્લેજ (કૂતરા દ્વારા ખેંચાતી ગાડી)! બીજી તરફ રશિયા અને ચીનની વિનાશક સબમરીન દરેક જગ્યાએ ફરી રહી છે. અમે આવું થવા દઈશું નહીં." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગ્રીનલેન્ડ હવે કોઈ પણ રીતે અમેરિકાના નિયંત્રણમાં હોવું જોઈએ.
 ટ્રમ્પે નાટો દેશો પર નિશાન સાધતા કહ્યું કે આ સંગઠનને અમેરિકાની વધુ જરૂર છે. તેમણે કહ્યું, "જો ગ્રીનલેન્ડના મુદ્દે નાટોને કોઈ અસર થતી હોય તો ભલે થાય, પણ યાદ રાખજો કે નાટોને આપણી જરૂરિયાત વધુ છે." આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે બ્રિટન અને જર્મની ગ્રીનલેન્ડમાં સંયુક્ત નાટો મિશન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.
 જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ગ્રીનલેન્ડને લીઝ પર લેશે, તો તેમણે સ્પષ્ટ કહ્યું, "અમે તેને ખરીદવાની વાત કરી રહ્યા છીએ, લીઝ પર નહીં." તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકન સૈનિકો પહેલેથી જ ત્યાં હાજર છે અને જો જરૂર પડશે તો તેઓ હજુ પણ વધુ સૈનિકો મોકલતા અચકાશે નહીં.
બીજી તરફ, ડેનમાર્કના વડાપ્રધાને ટ્રમ્પના આ નિવેદનને ગંભીર ગણાવતા કહ્યું છે કે તેમનો દેશ એક નિર્ણાયક અને મુશ્કેલ ક્ષણનો સામનો કરી રહ્યો છે. ગ્રીનલેન્ડ અને ડેનમાર્ક અગાઉ પણ અનેકવાર સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી, પરંતુ ટ્રમ્પના તાજેતરના નિવેદનોથી આર્કટિક ક્ષેત્રમાં તણાવ વધવાની શક્યતા છે.

(8:09 PM IST)