News of Monday, 12th January 2026
કાનપુરમાં જ્વેલર્સનો સપાટો: બુરખા, હેલ્મેટ કે માસ્ક પહેરીને આવનારાને હવે નહીં જોવા મળે દાગીના; સુરક્ષા માટે કડક ‘ઓળખ’ અનિવાર્ય
યુપીના જ્વેલર્સની બેઠકમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય: મોઢું ઢાંકીને આવતા ગ્રાહકોએ પહેલા બતાવવું પડશે આધાર કાર્ડ; દાગીનાની વધતી કિંમતો અને સતત થતી ચોરીઓને રોકવા વેપારીઓ એકજૂથ

કાનપુર:કાનપુરમાં વધતી જતી સોના-ચાંદીની ચોરીની ઘટનાઓને રોકવા માટે જ્વેલર્સ કમિટીએ એક મોટો અને કડક નિર્ણય લીધો છે. હવેથી શહેરની જ્વેલરી શોપ્સમાં બુરખો, હિજાબ, માસ્ક, મફલર કે હેલ્મેટ પહેરીને આવનારા ગ્રાહકોને તેમની સાચી ઓળખ સ્થાપિત કર્યા વિના કોઈ પણ દાગીના બતાવવામાં આવશે નહીં. આ નિર્ણયને શાસ્ત્રી નગર સહિત આખા શહેરના સર્રાફા વેપારીઓએ સમર્થન આપ્યું છે.
રવિવારે શાસ્ત્રી નગરમાં ‘અખિલ ભારતીય સ્વર્ણકાર વિકાસ પરિષદ’ની ઉત્તર પ્રદેશ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં કાનપુર ઉપરાંત વારાણસી, આગ્રા અને પ્રયાગરાજ જેવા જિલ્લાના વેપારીઓ પણ સામેલ થયા હતા. વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે ઘણીવાર લોકો મોઢું ઢાંકીને દુકાનમાં પ્રવેશે છે અને દાગીના જોતી વખતે હાથફેરો કરી જાય છે. સીસીટીવી ફૂટેજમાં પણ મોઢું ઢાંકેલું હોવાથી આરોપીઓને પકડવા મુશ્કેલ બને છે.
પરિષદના અધ્યક્ષ પુષ્પેન્દ્ર જાયસવાલે સ્પષ્ટ કર્યું હતું કે, "આ નિર્ણય કોઈની નિજતા (Privacy) કે અધિકારોના ઉલ્લંઘન માટે નથી, પરંતુ વેપારની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. જે પણ ગ્રાહક ચહેરો ઢાંકીને આવશે, તેમણે પહેલા આધાર કાર્ડ અથવા અન્ય માન્ય ઓળખ પત્ર બતાવવું પડશે, ત્યારપછી જ તેમને જેવર બતાવવામાં આવશે."
આ નિયમ માત્ર કાનપુર પૂરતો મર્યાદિત નથી, પણ યુપીના અન્ય મોટા શહેરો જેવા કે વારાણસી અને ઝાંસીમાં પણ લાગુ કરવામાં આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે એક નાની ચોરી પણ મોટું નુકસાન કરી શકે છે. આ નિર્ણયનો હેતુ માત્ર વેપારીઓ અને ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવાનો છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
