<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

બિહારમાં માનવતા શરમાઈ: પૂર્ણિયામાં આર્કેસ્ટ્રા ગર્લનું અપહરણ કરી ૬ નરાધમોએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર; રસ્તામાં કારમાં પરાણે દારૂ પીવડાવી આચરી હેવાનિયત

રુવાડા ઊભા કરી દેતી ઘટના: યુવતીને ૨૫ કિલોમીટર દૂર લઈ જઈ રૂમમાં પૂરીને આખી રાત આચર્યું દુષ્કર્મ; પીડિતાની હાલત અત્યંત ગંભીર, હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ

પૂર્ણિયા :બિહારના પૂર્ણિયા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જેણે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. દિલ્હીથી લગભગ ૧૩૦૦ કિલોમીટર દૂર આવેલા પૂર્ણિયામાં આર્કેસ્ટ્રામાં કામ કરતી એક નિર્દોષ યુવતીને છ હેવાનોએ પોતાની હવસનો શિકાર બનાવી છે. આ ઘટનાએ ફરી એકવાર મહિલા સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ઘટનાની વિગત મુજબ, આર્કેસ્ટ્રામાં ડાન્સર તરીકે કામ કરતી યુવતીનું છ શખ્સોએ પરાણે કારમાં અપહરણ કર્યું હતું. નરાધમો યુવતીને કારમાં ખેંચી ગયા બાદ તેને ૨૫ કિલોમીટર દૂર એક અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. રસ્તામાં ચાલતી કારમાં યુવતીને બળજબરીથી દારૂ પીવડાવવામાં આવ્યો હતો. યુવતીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવસખોરોએ તેને માર મારીને લાચાર બનાવી દીધી હતી.
આરોપીઓ યુવતીને એકાંતમાં આવેલા એક ઓરડામાં લઈ ગયા હતા જ્યાં તેને બંધક બનાવી દેવામાં આવી હતી. અહીં વારાફરતી છએ નરાધમોએ યુવતીના શરીરને પીંખી નાખ્યું હતું. આખી રાત ચાલેલી આ હેવાનિયતના કારણે યુવતી લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગઈ હતી. સવારે જ્યારે ગ્રામજનોને આ અંગે જાણ થઈ ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી.
 હાલમાં પીડિતાને ગંભીર હાલતમાં GMCH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. પૂર્ણિયા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે બાકીના પાંચ ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી રહી છે.

(8:22 PM IST)