News of Monday, 12th January 2026
ઈરાનની શેરીઓમાં મોતનું તાંડવ: દરેક ખભે શબપેટીઓ અને બેગમાં લાશોના ઢગલા; ૫૪૪ના મોત બાદ ‘ખામેની’ વિરુદ્ધ જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો
ન્યાય જોઈએ છે, આઝાદી જોઈએ છે”: તેહરાનમાં હૃદયદ્રાવક દ્રશ્યો, મૃતકોની અંતિમયાત્રા બની રણભેરી; ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ચેતવણી- “જો હવે ગોળીબાર થયો, તો ઈરાનને એવી સજા મળશે જે ક્યારેય વિચારી નહીં હોય”

તેહરાન: ઈરાનમાં સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના શાસન વિરુદ્ધ ચાલી રહેલું આંદોલન હવે લોહિયાળ જંગમાં ફેરવાઈ ગયું છે. ૨૮ ડિસેમ્બરથી શરૂ થયેલો વિરોધ પ્રદર્શનનો વંટોળ હવે આખા દેશમાં ફેલાઈ ગયો છે. તેહરાનની શેરીઓમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે કોઈપણ પથ્થર હૃદયના માણસને પણ હચમચાવી દે તેવા છે. ઠેર-ઠેર લાશોના ઢગલા, બોડી બેગમાં પડેલા મૃતદેહો અને પોતાના સ્વજનોને શોધતા પરિવારોની ચિચિયારીઓથી ઈરાન ગુંજી ઉઠ્યું છે.
માનવ અધિકાર સંગઠનોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આ હિંસામાં ૫૪૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેહરાનના કાહરીઝાક ફોરેન્સિક સેન્ટરની બહાર સેંકડો મૃતદેહોને લાઈનબદ્ધ રીતે જમીન પર મૂકવામાં આવ્યા છે. હજારો લોકો જ્યારે પોતાના પ્રિયજનોની શબપેટીઓ ખભે ઉંચકીને નીકળ્યા, ત્યારે આખું તેહરાન રડી પડ્યું હતું. લોકો હવે ભય છોડીને ખુલ્લેઆમ ન્યાય અને આઝાદીની માંગણી કરી રહ્યા છે.
“આ અમેરિકાનું કાવતરું છે”: બીજી તરફ, ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ નમતું જોખવાને બદલે પ્રદર્શનકારીઓને જ 'આતંકવાદી' ગણાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ વિદ્રોહ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઘડવામાં આવેલું કાવતરું છે. ખામેનીએ ચેતવણી આપી છે કે સરકાર આ બળવાને સખત હાથે દબાવી દેશે અને બદલો લેવામાં આવશે.
“ભારે કિંમત ચૂકવવી પડશે”: ઈરાનની આ સ્થિતિ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આકરું વલણ અપનાવ્યું છે. રવિવારે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, ઈરાની નેતાઓએ વાતચીત માટે સંપર્ક કર્યો છે, પરંતુ જો તેઓ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનું ચાલુ રાખશે, તો અમેરિકા એવી સજા કરશે જેનો ઈરાને ઈતિહાસમાં ક્યારેય સામનો કર્યો નથી. ટ્રમ્પની આ ધમકી બાદ પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. આજે ઈરાન એક એવા વળાંક પર ઉભું છે જ્યાં જનતા અને સત્તા વચ્ચે આરપારની લડાઈ જામી છે. દરેક અંતિમયાત્રા હવે એક નવા આંદોલનનું રૂપ લઈ રહી છે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
