સરહદ પર પાકિસ્તાની નાપાક ચાલ: પૂંચના બાલાકોટમાં LoC નજીક એક પછી એક અનેક લેન્ડમાઈન બ્લાસ્ટ; ધડાકાથી સરહદી ગામડાં ધ્રૂજ્યા
ઘૂસણખોરી કરાવવા પાકિસ્તાનનું નવું ષડયંત્ર: જંગલની આગમાં પાંચ સુરક્ષા સુરંગો ફાટતા અફરાતફરી, ભારતીય સેના હાઈ એલર્ટ પર; ડ્રોન અને થર્મલ કેમેરાથી આતંકીઓ પર બાજ નજર

પૂંચ:જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાન ફરી એકવાર મોટી નાપાક હરકત કરવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું છે. પૂંચના બાલાકોટ સેક્ટરમાં આજે બપોરે લોકેશન નજીક અનેક શક્તિશાળી લેન્ડમાઈન વિસ્ફોટો થતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો હતો. આ વિસ્ફોટો એટલા ભયાનક હતા કે તેનાથી સરહદી ગામોના મકાનોની બારીઓ અને દરવાજા પણ હચમચી ઉઠ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાલાકોટ સેક્ટરના બાસુની ફોરવર્ડ વિસ્તારમાં બપોરે ૧:૫૦ વાગ્યે અચાનક જંગલમાં આગ ફાટી નીકળી હતી. સૂકા ઘાસ અને તેજ પવનને કારણે આગ ઝડપથી ફેલાઈને સેનાની સુરક્ષા વાડ સુધી પહોંચી ગઈ હતી. દુશ્મનની ઘૂસણખોરી રોકવા માટે અહીં જમીનમાં એન્ટિ-પર્સનલ માઇન્સ બિછાવવામાં આવી હોય છે. આગની જ્વાળાઓ આ માઇન્સના સંપર્કમાં આવતા જ એક પછી એક પાંચ મોટા લેન્ડમાઈન બ્લાસ્ટ થયા હતા.
સુરક્ષા એજન્સીઓના મતે, પાકિસ્તાન અવારનવાર આવી રીતે જાણીજોઈને સરહદ પર આગ લગાડતું હોય છે. આગ અને તેનાથી થતા લેન્ડમાઈન વિસ્ફોટોના કારણે સર્જાતા અંધાધૂંધીના માહોલનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓને ભારતીય સરહદમાં ઘુસાડવાનું આ એક જૂનું કાવતરું છે. ગઈકાલે રાત્રે પણ આ વિસ્તારમાં અનેક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા, જે આ આશંકાને વધુ મજબૂત બનાવે છે.
વિસ્ફોટો બાદ ભારતીય સેનાના જવાનોએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો છે. કોઈપણ આતંકી આ સ્થિતિનો લાભ ન લઈ શકે તે માટે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. હાલમાં સેના ડ્રોન અને અત્યાધુનિક થર્મલ કેમેરાની મદદથી શૂન્ય રેખા પર કડક દેખરેખ રાખી રહી છે. ફાયર બ્રિગેડની ટીમો પણ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. સદનસીબે, આ વિસ્ફોટોમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સેનાને અત્યંત સતર્ક રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
