<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

અબુ સાલેમની મુક્તિ પર સુપ્રીમ કોર્ટનો 'ગણિત'નો સવાલ: "2005 થી અત્યાર સુધીમાં 25 વર્ષ કેવી રીતે પૂરા થયા?" - સજાની ગણતરી પર માંગી સ્પષ્ટતા

1993 ના મુંબઈ બ્લાસ્ટના દોષિતની વહેલી મુક્તિની અરજી પર સુનાવણી, પોર્ટુગલને આપેલા 'વચન' અને જેલના નિયમો પર અદાલતે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો રેકોર્ડ

નવી દિલ્હી | તા.13 : 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના માસ્ટરમાઇન્ડ પૈકીના એક અને અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમની જેલમુક્તિને લઈને કાનૂની જંગ તેજ બન્યો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે સાલેમની એ અરજી પર સુનાવણી કરી જેમાં તેણે દાવો કર્યો છે કે તેણે પોતાની 25 વર્ષની જેલની સજા પૂર્ણ કરી લીધી છે અને હવે તેને મુક્ત કરવો જોઈએ. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ દાવા સામે સવાલ ઉઠાવતા પૂછ્યું કે, "તમે 2005થી અત્યાર સુધીના સમયગાળામાં 25 વર્ષની ગણતરી કેવી રીતે કરો છો?"

પોર્ટુગલનું વચન અને ભારતની મર્યાદા

અબુ સાલેમને 11 નવેમ્બર, 2005ના રોજ પોર્ટુગલથી ભારત લાવવામાં આવ્યો હતો. પ્રત્યાર્પણ (Extradition) દરમિયાન ભારત સરકારે પોર્ટુગીઝ સત્તાવાળાઓને લેખિત ખાતરી આપી હતી કે સાલેમને ફાંસીની સજા કે 25 વર્ષથી વધુની જેલની સજા આપવામાં આવશે નહીં. આ આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને કારણે 2017માં ટાડા કોર્ટે તેને આજીવન કેદ આપી હોવા છતાં, સુપ્રીમ કોર્ટે 2022માં ઠરાવ્યું હતું કે તેને 25 વર્ષ પૂર્ણ થયા પછી મુક્ત કરવો પડશે.

સજાની ગણતરીમાં ક્યાં અટવાયો પેચ?

સાલેમના વકીલ ઋષિ મલ્હોત્રાએ દલીલ કરી હતી કે સાલેમ લાંબા સમયથી જેલમાં છે અને પોર્ટુગલના કાયદા મુજબ 25 વર્ષથી વધુ જેલ ગેરબંધારણીય છે. જોકે, અદાલતે નોંધ્યું કે જો તેની ધરપકડ 2005માં થઈ હોય તો 2026ની શરૂઆતમાં 25 વર્ષ પૂર્ણ થયા હોવાનો દાવો ગણિતની રીતે સાચો જણાતો નથી. કોર્ટે સાલેમને તેની સજાના વર્ષોનું તાર્કિક વર્ણન રજૂ કરવા અને મહારાષ્ટ્ર સરકારને ટાડા (TADA) ના કેદીઓ માટે માફીના શું નિયમો છે તેનો રિપોર્ટ આપવા આદેશ કર્યો છે.

ભયાનક ઇતિહાસ અને કાનૂની ભવિષ્ય

અબુ સાલેમ 1993ના બ્લાસ્ટ ઉપરાંત બિલ્ડર પ્રદીપ જૈનની હત્યા અને અજીત દીવાની હત્યા કેસમાં પણ દોષિત છે. મુંબઈ બ્લાસ્ટમાં 257 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે બધી નજર સુપ્રીમ કોર્ટ પર છે કે શું ભારત સરકાર આંતરરાષ્ટ્રીય વચન પાળવા માટે સાલેમને નિર્ધારિત સમય પહેલા મુક્ત કરવાની સલાહ રાષ્ટ્રપતિને આપશે કે પછી જેલની ગણતરીના આધારે તેને હજુ વધુ સમય જેલના સળિયા પાછળ વિતાવવો પડશે.

(5:02 PM IST)