<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

જમ્મુ-કાશ્મીરમાં હવે શિક્ષણના નામે 'જંગ': નેશનલ લો યુનિવર્સિટી અને મેડિકલ કોલેજ મુદ્દે પ્રાદેશિક અને સાંપ્રદાયિક ખાઈ વધુ ઊંડી થઈ

કાશ્મીરમાં NLU ની માંગ સામે જમ્મુમાં વિરોધના સૂર, મેડિકલ કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થીઓના વર્ચસ્વ બાદ NMC એ મંજૂરી પાછી ખેંચતા વિવાદ વકર્યો

શ્રીનગર | તા.13 : જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં રાજકીય ગરમાવો હવે શૈક્ષણિક સંસ્થાઓના ઉંબરે આવી પહોંચ્યો છે. છેલ્લા કેટલાક સમયથી અહીં શિક્ષણ અને પ્રવેશ પ્રક્રિયા માત્ર શૈક્ષણિક વિષય ન રહેતા પ્રાદેશિક અને સાંપ્રદાયિક પ્રતિષ્ઠાનો જંગ બની ગયા છે. પ્રસ્તાવિત રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટી (NLU) અને એક મેડિકલ કોલેજની મંજૂરી રદ કરવાના મુદ્દે ખીણ અને જમ્મુ પ્રદેશ વચ્ચે તણાવની નવી રેખા ખેંચાઈ છે.
NLU વિવાદ: આઈઆઈટી-આઈઆઈએમ જેવી સમાનતાની માંગ
વિવાદનું મુખ્ય કેન્દ્ર પ્રસ્તાવિત રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટી (NLU) છે. ગત ઓક્ટોબરમાં કાશ્મીર વિધાનસભાએ કાશ્મીરમાં NLU સ્થાપવા માટે ઠરાવ પસાર કર્યો હતો, જેનો ભાજપ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ બાબતનું રાજકારણ કરનારા ટીકાકારો પર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે 2016માં જમ્મુને IIT અને IIM બંને સંસ્થાઓ આપવામાં આવી ત્યારે કાશ્મીર તરફથી કોઈ વિરોધ થયો ન હતો. ભાજપ અને જમ્મુના સંગઠનો આગ્રહ રાખી રહ્યા છે કે સારી માળખાગત સુવિધાને કારણે NLU જમ્મુમાં જ હોવી જોઈએ.
મેડિકલ કોલેજની મંજૂરી રદ થતા ગરમાયું રાજકારણ
શિક્ષણ ક્ષેત્રે સાંપ્રદાયિક રંગ ત્યારે લાગ્યો જ્યારે નેશનલ મેડિકલ કમિશન (NMC) એ શ્રી માતા વૈષ્ણો દેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સેલન્સ મેડિકલ કોલેજની MBBS બેચ માટેની પરવાનગી પાછી ખેંચી લીધી. ચોંકાવનારી બાબત એ છે કે NEET પરીક્ષા દ્વારા પ્રવેશ મેળવનારા 50 વિદ્યાર્થીઓમાંથી 42 મુસ્લિમ હતા, જેમાંથી મોટાભાગના કાશ્મીર ખીણના હતા. કાશ્મીરના નેતાઓનો આરોપ છે કે ચોક્કસ જૂથોના દબાણ હેઠળ આ નિર્ણય લેવાયો છે, જ્યારે NMC એ માળખાગત ખામીઓનું કારણ આપ્યું છે. આ નિર્ણયથી 50 વિદ્યાર્થીઓનું ભવિષ્ય હવે અદ્ધરતાલ છે.
રમતગમતથી શિક્ષણ સુધી 'વર્ચસ્વ'ની લડાઈ
આ વિવાદો માત્ર શિક્ષણ પૂરતા મર્યાદિત નથી. અગાઉ જમ્મુના જૂથોએ ફૂટબોલ અને ક્રિકેટ ટીમમાં કાશ્મીરી મુસ્લિમોના પ્રભુત્વ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જે શિક્ષણ અને રમતગમત એક સમયે બંને પ્રદેશોને જોડવાનું કામ કરતા હતા, તે હવે રાજકીય હિતોને કારણે વિભાજનનું હથિયાર બની રહ્યા છે. મેરિટ અને પ્રતિભાને ઓળખના રાજકારણ હેઠળ દબાવવામાં આવી રહી હોય તેવું ચિત્ર ઊભું થતા સામાજિક ધ્રુવીકરણ વધવાની ભીતિ સેવાઈ રહી છે.

(5:04 PM IST)