ભારતીય ઉચ્ચ શિક્ષણમાં ઐતિહાસિક બદલાવ: હવે UGC અને AICTE ના દિવસો ભરાયા! શિક્ષણમાં 'ચક્રવ્યૂહ' જેવી જટિલ પ્રક્રિયાઓ દૂર કરવા કેન્દ્ર સરકારનું નવું બિલ
IIT મદ્રાસના ડાયરેક્ટર વી. કામકોટીએ બિલને આવકાર્યું: ટેકનોલોજી સક્ષમ 'સિંગલ વિન્ડો' સિસ્ટમથી સંસ્થાઓને મળશે વધુ સ્વાયત્તતા અને પારદર્શિતા

ચેન્નાઈ | તા.13 : ભારતના ઉચ્ચ શિક્ષણ જગતમાં આમૂલ પરિવર્તન લાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ લોકસભામાં રજૂ કરાયેલ 'વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન બિલ, ૨૦૨૫' હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. IIT મદ્રાસના ડાયરેક્ટર વી. કામકોટીના જણાવ્યા મુજબ, આ બિલ માત્ર નિયમનોમાં ફેરફાર નથી, પરંતુ ભારતની શિક્ષણ સંસ્થાઓની 'પુનઃકલ્પના' છે. કવિ તિરુવલ્લુવરના આદર્શોને ટાંકીને તેમણે જણાવ્યું કે, આ બિલ દ્વારા ભારત એવા નાગરિકો તૈયાર કરશે જે ૨૦૪૭ ના વિકસિત ભારતના વિઝનને નેતૃત્વ પૂરું પાડશે.
શા માટે જૂની સિસ્ટમ બદલવી જરૂરી હતી?
હાલમાં ભારતની ઉચ્ચ શિક્ષણ પ્રણાલી ૧,૦૦૦ થી વધુ યુનિવર્સિટીઓ અને કરોડો વિદ્યાર્થીઓ સાથે વિશાળ બની છે. પરંતુ, અત્યાર સુધી UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન), AICTE અને NCTE જેવી અલગ-અલગ સંસ્થાઓના નિયમોના કારણે એક એવો 'ચક્રવ્યૂહ' ઉભો થયો હતો કે સંસ્થાઓ શિક્ષણ અને સંશોધન કરતાં કાગળકામ (Paperwork) માં વધુ સમય વિતાવતી હતી. નવું બિલ આ ત્રણેય મુખ્ય કાયદાઓને રદ કરીને તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એક જ છત્ર હેઠળ લાવવાનો પ્રસ્તાવ મૂકે છે.
'હળવા પણ ચુસ્ત' નિયમનનું નવું માળખું
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ને અનુરૂપ, આ બિલ 'વિકાસ ભારત શિક્ષા અધિષ્ઠાન' નામની સર્વોચ્ચ સંસ્થા બનાવશે. આ અંતર્ગત ત્રણ અલગ કાઉન્સિલ હશે: નિયમન, માન્યતા (Accreditation) અને ધોરણો નક્કી કરવા માટે. આનાથી હિતોનો સંઘર્ષ ઘટશે અને વિશ્વસનીયતા વધશે. સૌથી મોટો ફેરફાર 'સિંગલ વિન્ડો' ડિજિટલ સિસ્ટમનો છે, જ્યાં સંસ્થાઓએ ફેકલ્ટી, નાણાકીય વિગતો અને પરિણામોની સ્વ-જાહેરાત (Self-disclosure) કરવાની રહેશે, જેથી ભ્રષ્ટાચાર અને વિલંબમાં ઘટાડો થશે.
વિદ્યાર્થીઓ અને સંસ્થાઓને શું ફાયદો થશે?
આ બિલના અમલીકરણથી ત્રણ મોટા ફાયદા થવાની અપેક્ષા છે:
૧. યુવા સશક્તિકરણ: શિક્ષણની ગુણવત્તા સુધરશે અને વિદ્યાર્થીઓ હવે સંસ્થાઓના શૈક્ષણિક અનુભવ પર સીધો પ્રતિસાદ આપી શકશે.
૨. વૈશ્વિક ઓળખ: ભારતીય સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય માપદંડોને પૂર્ણ કરી શકશે, જેનાથી વિદેશી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી ભારત તરફ આકર્ષિત થશે.
૩. સ્માર્ટ નિયમન: જે સંસ્થાઓ સારું પ્રદર્શન કરશે તેમને વધુ સ્વાયત્તતા મળશે, જેથી તેઓ નવા અભ્યાસક્રમો અને સંશોધનો ઝડપથી કરી શકશે.
ડૉ. કામકોટીના મતે, જ્યારે આપણી સંસ્થાઓ નવીનતા લાવવા માટે મુક્ત હશે અને સમાજ પ્રત્યે જવાબદાર રહેશે, ત્યારે જ ભારત સાચા અર્થમાં 'શિક્ષણમાં આત્મનિર્ભર' બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
