<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

આયુષ ડોકટરોની 'ઓળખ' માટે કાયદાકીય જંગ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

શું આયુર્વેદ અને હોમિયોપેથીના ડોકટરોને મળશે એલોપેથી જેવો સમાન દરજ્જો? ૧૯૫૪ના જૂના પુરાણા કાયદાને પડકારતી અરજી પર સર્વોચ્ચ અદાલતની લાલ આંખ: ગંભીર બીમારીઓની સારવારની જાહેરાત પરના પ્રતિબંધો હટાવવા ઉઠી માંગ

નવી દિલ્હી: દેશમાં આયુષ (આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી) ડોકટરોને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર તરીકે પૂર્ણ દરજ્જો આપવા અંગેની ચર્ચાએ હવે કાનૂની વળાંક લીધો છે. સુપ્રીમ કોર્ટે એક મહત્વની જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, આયુષ મંત્રાલય અને કાયદા મંત્રાલયને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે આયુષ ડોકટરોને પણ એલોપેથિક ડોકટરોની જેમ જ કાયદેસર રીતે રજિસ્ટર્ડ ડોકટર જાહેર કરવામાં આવે, જેથી તેઓ આધુનિક સમયમાં સ્વાસ્થ્ય સેવાઓમાં વધુ સક્રિય અને સત્તાવાર યોગદાન આપી શકે.

આ વિવાદનું મુખ્ય કેન્દ્ર ૧૯૫૪નો 'ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ' છે. આ ૭૦ વર્ષ જૂનો કાયદો તબીબી ક્ષેત્રે ભ્રામક જાહેરાતોને રોકવા માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ અરજદારની દલીલ છે કે આ કાયદો હવે આયુષ ડોકટરો માટે નડતરરૂપ બની રહ્યો છે. વર્તમાન કાયદા મુજબ, આયુષ ડોકટરો ગંભીર બીમારીઓની સચોટ અને વૈજ્ઞાનિક સારવાર ઉપલબ્ધ હોવા છતાં તેની જાહેરાત કરી શકતા નથી. આ પ્રતિબંધને કારણે સામાન્ય જનતા સાચી માહિતીથી વંચિત રહે છે અને આયુર્વેદ કે હોમિયોપેથી જેવી અસરકારક ચિકિત્સા પદ્ધતિઓ વિશે સમાજમાં અજ્ઞાનતા ફેલાય છે.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે આ મામલે ગંભીરતા દાખવતા એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયની દલીલો સાંભળી હતી. અરજીમાં એવી સ્પષ્ટ માંગ છે કે વિજ્ઞાનમાં થયેલી પ્રગતિને ધ્યાનમાં રાખીને એક નિષ્ણાત સમિતિ બનાવવામાં આવે જે આ જૂના કાયદાની સમીક્ષા કરે. જો સુપ્રીમ કોર્ટ આ દિશામાં કોઈ ક્રાંતિકારી નિર્ણય લેશે, તો આયુષ ડોકટરો માટે જાહેરાતના દ્વાર ખુલશે અને ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ અને સન્માન મળી શકશે.

(5:46 PM IST)