<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

કેનેરા બેંકનો ધડાકો: FDના વ્યાજ દરોમાં મોટો ફેરફાર: વરિષ્ઠ નાગરિકો માટે બખ્ખાં જ બખ્ખાં!

RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા છતાં સરકારી બેંકનો માસ્ટરસ્ટ્રોક : 555 દિવસની ખાસ સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને મળશે 7% વ્યાજ : ઘટતા વ્યાજ દરોના યુગમાં સુરક્ષિત રોકાણ અને માતબર વળતર મેળવવાની છેલ્લી તક

બેંગલુરુ: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નાણાકીય નીતિમાં સતત કરવામાં આવી રહેલી સરળતા અને રેપો રેટમાં કુલ 125 બેસિસ પોઈન્ટના ઘટાડા બાદ હવે બેંકિંગ ક્ષેત્રમાં વ્યાજ દરો ઘટવાનો સિલસિલો શરૂ થયો છે. રેપો રેટ ઘટીને 5.25 ટકા થઈ જતા મોટાભાગની બેંકો થાપણો પર વ્યાજ ઘટાડી રહી છે, ત્યારે જાહેર ક્ષેત્રની અગ્રણી 'કેનેરા બેંક' એ તેના ફિક્સ્ડ ડિપોઝિટ (FD) દરોમાં વ્યૂહાત્મક સુધારો કરીને ગ્રાહકોને ખુશ કરી દીધા છે. બેંકે ખાસ કરીને ટૂંકા અને મધ્યમ ગાળાના રોકાણકારો માટે વ્યાજ દરો આકર્ષક રાખ્યા છે, જેથી ગ્રાહકો લાંબા ગાળાના ઓછા વ્યાજ દરોને બદલે મધ્યમ ગાળાની સ્કીમમાં વધુ વળતર મેળવી શકે.

કેનેરા બેંકના નવા વ્યાજ દર માળખા મુજબ, '555 દિવસ' ની ખાસ FD સ્કીમ અત્યારે હોટ ફેવરિટ બની રહી છે. આ સમયગાળા માટે સામાન્ય નાગરિકોને 6.50 ટકા વ્યાજ મળી રહ્યું છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 7.00 ટકા સુધી રાખવામાં આવ્યો છે. તેવી જ રીતે, '444 દિવસ' ની FD પર પણ સામાન્ય ગ્રાહકોને 6.45 ટકા અને સિનિયર સિટિઝન્સને 6.95 ટકા વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે. બેંકની આ નવી નીતિ સ્પષ્ટ કરે છે કે હવે લાંબા ગાળા માટે નાણાં લોક કરવાને બદલે દોઢ થી બે વર્ષના ગાળામાં નાણાં રોકવા વધુ ફાયદાકારક સાબિત થશે, કારણ કે એક વર્ષથી વધુની અન્ય સામાન્ય થાપણો પર વ્યાજ દર 6.25 ટકા થી 6.75 ટકા ની વચ્ચે મર્યાદિત છે.

બજારના નિષ્ણાતો માને છે કે જો તમે સુરક્ષિત રોકાણ શોધી રહ્યા હોવ, તો કેનેરા બેંકની આ કોલેબલ FD સ્કીમ્સ શ્રેષ્ઠ છે. RBI ની પોલિસીને કારણે બેંકોના ફંડિંગ કોસ્ટમાં ઘટાડો થયો છે, જેના કારણે આગામી સમયમાં અન્ય બેંકો પણ વ્યાજ દરોમાં કાપ મૂકે તેવી પૂરેપૂરી શક્યતા છે. આવા નરમ વ્યાજ દરના વાતાવરણમાં, કેનેરા બેંક દ્વારા આપવામાં આવતું 7 ટકા વળતર વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન જેવી ચોક્કસ આવક મેળવવા માટે ઉત્તમ સાધન બની શકે છે. આ નવા દરો તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયા હોવાથી રોકાણકારોએ પોતાની બચતને યોગ્ય પ્લાનમાં ફાળવવા માટે અત્યારે જ પ્લાનિંગ કરી લેવું જોઈએ.

(6:36 PM IST)