<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

આણંદમાં અમિતભાઈ શાહનું યુવાશક્તિને ઇજન: "2047ના વિકસિત ભારતનો પાયો હવે તમારા હાથમાં, ડિગ્રીના કાગળથી આગળ વધી દેશને બનાવો જ્ઞાન મહાસત્તા"

ચારુસત યુનિવર્સિટીના 15મા દીક્ષાંત સમારોહમાં 2000 થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત - સ્ટાર્ટઅપ દ્વારા 'જોબ સીકર' નહીં પણ 'જોબ ક્રિએટર' બનવા ગૃહમંત્રીનું આહ્વાન

આણંદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે આણંદની ચારુસત યુનિવર્સિટીના 15મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી યુવાનોમાં નવો જોમ ભર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારત અત્યારે 'અમૃત કાળ'માંથી પસાર થઈ રહ્યું છે અને 2047 સુધીમાં ભારતને વિશ્વના નકશા પર 'વિકસિત રાષ્ટ્ર' તરીકે સ્થાપિત કરવાની સૌથી મોટી જવાબદારી આજની યુવા પેઢીના ખભા પર છે.

શિક્ષણ નીતિ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ

વિદ્યાર્થીઓને સંબોધતા અમિતભાઈ  શાહે જણાવ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) માત્ર પુસ્તકિયું જ્ઞાન નથી, પરંતુ તે ભારતને વૈશ્વિક 'નોલેજ સુપર પાવર' બનાવવાનું માધ્યમ છે. તેમણે ભારતના વિકસતા સ્ટાર્ટઅપ સેક્ટરના વખાણ કરતા કહ્યું કે, આજે દેશનો યુવાન નોકરી શોધવાને બદલે નોકરી આપનાર (Job Creator) બની રહ્યો છે, જે આત્મનિર્ભર ભારતની સાચી ઓળખ છે. સમારોહમાં 2000થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જ્યારે 45 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યા હતા.

માતૃભાષા અને સાંસ્કૃતિક ગૌરવ

ગૃહમંત્રીએ સ્નાતક થયેલા યુવાનોને એક વિશેષ શિખામણ આપતા કહ્યું કે, તમે ભલે ગમે તેટલા આધુનિક બનો, પણ તમારા સાંસ્કૃતિક વારસા અને માતૃભાષાને ક્યારેય ભૂલશો નહીં. તેમણે ઇજનેરો અને વૈજ્ઞાનિકોને સંરક્ષણ, અવકાશ (Space) અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એવું સંશોધન કરવા વિનંતી કરી જે ભારતની સાર્વભૌમત્વને વધુ મજબૂત બનાવે.

વતન માનસા અને ગાંધીનગરમાં વિકાસના કામોનો ધમધમાટ

આણંદના કાર્યક્રમ પહેલાં અમિતભાઈ  શાહે ગાંધીનગરના પેથાપુર ખાતે અત્યાધુનિક BSL 4 લેબોરેટરી અને અમદાવાદમાં PAGE (ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સેલન્સ) નો શિલાન્યાસ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે પોતાના વતન માનસા ખાતે પણ ₹267 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને ઉત્તર ગુજરાતના વિકાસને નવી ગતિ આપી હતી.

(9:00 PM IST)