LIC પોલિસી બંધ થઈ ગઈ છે? તો હવે ચિંતા કરવાની જરૂર નથી: ખાસ રસ્તો કાઢ્યો : દંડની રકમ પણ બચાવી શકાશે : જાણો ઓફર
લેટ ફીમાં 30% સુધીની રાહત અને મહત્તમ રૂ.5000 સુધીનું ડિસ્કાઉન્ટ: માઈક્રો ઈન્શ્યોરન્સ પોલિસી ધારકો માટે લેટ ફીમાં 100% માફી અપાશે: પ્રીમિયમ ભર્યા વિના અટકી ગયેલી પોલિસી ફરીથી કરી શકાશે એક્ટિવ

નવી દિલ્હી :જો તમે LIC ની પોલિસી લીધી હતી પરંતુ કોઈ કારણસર તેનું પ્રીમિયમ ભરી શક્યા નથી અને પોલિસી 'લેપ્સ' (બંધ) થઈ ગઈ છે, તો તમારા માટે રાહતના સમાચાર છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ આવા પોલિસીધારકો માટે એક ખાસ 'સ્પેશિયલ રિવાઈવલ કેમ્પેઈન' શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ, તમે તમારી બંધ પડેલી પોલિસીને ફરીથી એક્ટિવ કરાવી શકો છો અને તે પણ પેનલ્ટીમાં મોટી છૂટછાટ સાથે.
LIC દ્વારા શરૂ કરવામાં આવેલું આ ખાસ અભિયાન 1 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે અને તે 2 માર્ચ સુધી ચાલશે. આ કેમ્પેઈનનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને મદદ કરવાનો છે જેમની આવકની અનિયમિતતાને કારણે અથવા અન્ય આર્થિક સંકડામણને કારણે પ્રીમિયમ ભરવાનું ચૂકી જવાયું હોય. આ સમયગાળા દરમિયાન તમે તમારી નજીકની LIC શાખાનો સંપર્ક કરીને તમારી અટકી ગયેલી પોલિસીને પુનર્જીવિત કરાવી શકો છો અને તમારું સુરક્ષા કવચ પાછું મેળવી શકો છો.
આ ડ્રાઈવની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં લેટ ફી (Late Fee) પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સામાન્ય નોન-લિંક્ડ ઈન્શ્યોરન્સ પોલિસી પર પોલિસીધારકોને લેટ ફીમાં 30% સુધીની છૂટ મળી શકે છે, જેની મહત્તમ મર્યાદા 5,000 રૂપિયા સુધીની છે. જ્યારે 'માઈક્રો ઈન્શ્યોરન્સ પોલિસી' ધરાવતા ઓછી આવક ધરાવતા વર્ગ માટે તો LIC એ લેટ ફી સંપૂર્ણપણે (100%) માફ કરી દીધી છે. આનાથી સામાન્ય માણસને ફરીથી વીમા કવચ મેળવવું આર્થિક રીતે પોષાય તેમ બનશે.
LIC ના જણાવ્યા મુજબ, નવી પોલિસી ખરીદવા કરતા જૂની પોલિસીને રિવાઈવ કરવી ગ્રાહક માટે વધુ હિતાવહ છે. તેનું કારણ એ છે કે જૂની પોલિસીમાં પ્રીમિયમનો દર તમે જ્યારે પોલિસી લીધી હતી તે ઉંમર મુજબ નક્કી થયેલો હોય છે, જે સામાન્ય રીતે ઓછો હોય છે. નવી પોલિસીમાં અત્યારની ઉંમર મુજબ પ્રીમિયમ વધુ આવી શકે છે. વળી, જૂની પોલિસી શરૂ થતાની સાથે જ તમારું લાઈફ કવર અને જમા થયેલું બોનસ પણ સુરક્ષિત થઈ જાય છે. જોકે, મેડિકલ શરતોમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
