<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

યાદવ પરિવારમાં 'મહા-મિલન': તેજ પ્રતાપ વર્ષો પછી લાલુ-રાબડીના દ્વારે : ભત્રીજી કાત્યાયનીને ખોળામાં રમાડી!

પક્ષ અને પરિવારમાંથી છ વર્ષ માટે હાંકી કઢાયેલા તેજ પ્રતાપે મકરસંક્રાંતિના પર્વે ભૂલ્યા જૂના વેરઝેર : લાલુ-રાબડી અને તેજસ્વી યાદવને 'દહીં-ચૂડા' ભોજનનું ભાવભીનું આમંત્રણ આપી પટણાના રાજકારણમાં ગરમાવો લાવ્યા

પટણા:  બિહારના રાજકારણમાં ક્યારે કયો વળાંક આવશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ પટણાના '10 સર્ક્યુલર રોડ' પર મંગળવારે જે દ્રશ્યો જોવા મળ્યા તેણે સૌને ચોંકાવી દીધા છે. પોતાના પરિવાર અને આરજેડી (RJD) થી અલગ થઈને 'જનશક્તિ જનતા દળ' બનાવનાર તેજ પ્રતાપ યાદવ અચાનક પિતા લાલુ પ્રસાદ યાદવ અને માતા રાબડી દેવીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અનુષ્કા યાદવ પ્રકરણ બાદ પક્ષમાંથી છ વર્ષ માટે હાંકી કઢાયેલા તેજ પ્રતાપે લાંબા સમય બાદ પિતાના આશીર્વાદ લીધા હતા. આ મુલાકાત માત્ર રાજકીય નહોતી પરંતુ પારિવારિક ભાવુકતાથી ભરેલી હતી, જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

તેજ પ્રતાપે આ મુલાકાતની વિગતો શેર કરતા જણાવ્યું કે તેઓ 14 જાન્યુઆરી, મકરસંક્રાંતિ નિમિત્તે યોજાનારા "ઐતિહાસિક દહીં-ચૂડા ભોજન" માટે પરિવારને આમંત્રણ આપવા ગયા હતા. આ દરમિયાન સૌથી આકર્ષક ક્ષણ એ હતી જ્યારે તેજ પ્રતાપે તેમના નાના ભાઈ તેજસ્વી યાદવની પુત્રી અને પોતાની વ્હાલી ભત્રીજી કાત્યાયનીને ખોળામાં બેસાડીને લાડ લડાવ્યા હતા. ફેસબુક પર આ ફોટા શેર કરતા તેમણે લખ્યું કે, પરિવાર સાથે વિતાવેલી આ અદ્ભુત ક્ષણ છે. 2025ની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તેજ પ્રતાપનું આ નરમ વલણ શું ફરીથી આરજેડીમાં વાપસીના સંકેત છે, તે બાબતે રાજકીય વિશ્લેષકોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.

જોકે, તેજ પ્રતાપે આ મુલાકાતને સંપૂર્ણપણે પારિવારિક ગણાવી છે, પરંતુ બિહારના રાજકીય વર્તુળો તેને 'ઘર વાપસી' ની શરૂઆત માની રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવ દ્વારા લેવાયેલા કડક પગલાં પછી તેજ પ્રતાપે પોતાની અલગ કેડી કંડારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા હવે મકરસંક્રાંતિનું પર્વ તેમના માટે સંબંધોની મીઠાશ વધારવાનું નિમિત્ત બન્યું છે. કાલે યોજાનારા દહીં-ચૂડાના ભોજનમાં જો આખો પરિવાર એકસાથે દેખાશે, તો તે વિરોધી પક્ષો માટે ચોક્કસપણે ચિંતાનો વિષય બનશે. આ મિલન યાદવ વોટબેંકને ફરી એકજૂથ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

(11:23 PM IST)