<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત : રાજોરી સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર ફરી એકવાર ડ્રોન દેખાયા

રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ગનિયા-કલસિયાં ગામ પાસે ડ્રોન દેખાતા સેનાના જવાનોએ તત્કાલ મશીનગનથી ફાયરિંગ શરૂ કર્યું:તેરયાથ અને કલાકોટના ગ્રામીણ વિસ્તારોમાં પણ બ્લિંકિંગ લાઈટ સાથેની શંકાસ્પદ વસ્તુઓ આકાશમાં જોવા મળી

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. જમ્મુ અને કાશ્મીરના રાજોરી સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર ફરી એકવાર ડ્રોન દેખાયા છે. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી પાકિસ્તાનને આવી ગતિવિધિઓને મુદ્દે આકરી ચેતવણી આપી ચૂક્યા છે, તે જ દિવસે ડ્રોન જોવા મળ્યા છે. સેનાએ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ગનિયા-કલસિયાં ગામ પાસે સાંજના સમયે ડ્રોન દેખાતા સેનાના જવાનોએ તત્કાલ મશીનગનથી ફાયરિંગ શરૂ કર્યું હતું. આ ઉપરાંત, તેરયાથ અને કલાકોટના ગ્રામીણ વિસ્તારોમાં પણ બ્લિંકિંગ લાઈટ સાથેની શંકાસ્પદ વસ્તુઓ આકાશમાં જોવા મળી હતી. માત્ર રાજૌરી જ નહીં, પરંતુ સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં પણ સરહદ પાસે ડ્રોન મંડરાતા હોવાના અહેવાલો મળ્યા છે. આ તમામ વિસ્તારોમાં સેનાએ કાઉન્ટર મેઝર્સ શરૂ કરી દીધા છે અને સર્ચ ઓપરેશન તેજ બનાવ્યું.

 

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને પોતાના ડ્રોન પર લગામ લગાવવી જોઈએ. તેમણે માહિતી આપી હતી કે પશ્ચિમી મોરચે સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે ‘ઓપરેશન સિંદૂર’ સતત ચલાવવામાં આવી રહ્યું છે. સેના પ્રમુખના મતે, પાકિસ્તાન ડ્રોન દ્વારા હથિયારો અથવા નશીલા પદાર્થોની તસ્કરી કરવાની ફિરાકમાં છે, પરંતુ ભારતીય સેના કોઈ પણ પ્રકારના દુસાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

(12:33 AM IST)