અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ઈરાની પ્રદર્શનકારીઓને ખુલ્લુ સમર્થન: ‘તમારી સંસ્થાઓ પર કબજો કરો, મદદ રસ્તામાં છે
ટ્રુથ સોશિયલ પર ઈરાની દેશભક્તોને સંબોધતા ટ્રમ્પે કહ્યું છે કે જ્યાં સુધી પ્રદર્શનકારીઓની હત્યાઓ બંધ નહીં થાય ત્યાં સુધી ઈરાની અધિકારીઓ સાથેની તમામ બેઠકો રદ કરવામાં આવી છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પે ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનોને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ઈરાની દેશભક્તોને સંબોધતા કહ્યું છે કે જ્યાં સુધી પ્રદર્શનકારીઓની હત્યાઓ બંધ નહીં થાય ત્યાં સુધી ઈરાની અધિકારીઓ સાથેની તમામ બેઠકો રદ કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના નિવેદનમાં ઈરાની પ્રદર્શનકારીઓને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે, "ઈરાની દેશભક્તો, વિરોધ ચાલુ રાખો અને તમારી સંસ્થાઓ પર કબજો મેળવો. હત્યારાઓ અને અત્યાચારીઓના નામ સાચવીને રાખો, તેમણે મોટી કિંમત ચૂકવવી પડશે."
ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે જ્યાં સુધી પ્રદર્શનકારીઓની નિર્દયી હત્યાઓ અટકશે નહીં ત્યાં સુધી ઈરાની અધિકારીઓ સાથેની કોઈપણ બેઠક યોજવામાં આવશે નહીં. તેમણે અંતમાં "મદદ રસ્તામાં છે" (હેલ્પ ઈઝ ઓન ઈટ્સ વે) અને "મીગા" (મેક ઈરાન ગ્રેટ અગેઈન) જેવા સૂત્રો લખીને અમેરિકાની સક્રિય ભૂમિકાનો સંકેત આપ્યો હતો.
અન્ય એક પ્રસંગે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે 'મદદ રસ્તામાં છે' નો અર્થ શું છે, ત્યારે તેમણે કહ્યું હતું કે "તમને જલ્દી જ ખબર પડી જશે," અને સાથે ચેતવણી આપી હતી કે અમેરિકનો માટે અત્યારે ઈરાન છોડી દેવું એ સારો વિચાર રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
