<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

પીએમઓના સરનામામાં ઐતિહાસિક બદલાવઃ મકર સંક્રાંતિથી સાઉથ બ્લોકને બદલે હવે ‘સેવા તીર્થ’ સંકુલમાં કાર્યભાર શરૂ

દેશની આઝાદી બાદ પ્રથમ વખત વડાપ્રધાન કાર્યાલયનું સ્થળાંતર, ૧,૧૮૯ કરોડના ખર્ચે તૈયાર થયેલું આધુનિક સંકુલ

આજે મકર સંક્રાંતિના પવિત્ર પર્વ પર ભારતના વહીવટી ઈતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે. ૧૯૪૭થી સાઉથ બ્લોકમાં કાર્યરત વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) હવે સત્તાવાર રીતે નવા સરનામે શિફ્ટ થઈ ગયું છે. દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ પામેલા ‘સેવા તીર્થ’ સંકુલમાં આજથી કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. આ નવું સંકુલ અંદાજે ૧,૧૮૯ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને તે ૨.૨૬ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે.

જૂના સાઉથ બ્લોકની બંધ દીવાલોવાળી ઓફિસ સંસ્કૃતિને બદલે અહીં ‘ઓપન ફ્લોર’ મોડેલ અપનાવવામાં આવ્યું છે, જેથી અધિકારીઓ વચ્ચે સંકલન વધુ સરળ બને. 

આ પરિસરમાં ‘ઇન્ડિયા હાઉસ’ નામની અત્યાધુનિક કોન્ફરન્સ સુવિધા પણ છે, જેનો ઉપયોગ દ્વિપક્ષીય બેઠકો અને આંતરરાષ્ટ્રીય સંમેલનો માટે થશે. 

 

વડાપ્રધાનનો અંગત કક્ષ અને સેરેમોનિયલ હોલ ભવ્ય બનાવવામાં આવ્યા છે, જેમાં ભારતની ૫,૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ સંકુલ ઉચ્ચતમ ભૂકંપરોધક માપદંડો અને સાયબર સુરક્ષાથી સજ્જ છે. 

 

હવે ખાલી થયેલા નોર્થ અને સાઉથ બ્લોકને ‘યુગે યુગીન ભારત સંગ્રહાલય’માં ફેરવવામાં આવશે.

(12:08 PM IST)