News of Wednesday, 14th January 2026
સાઉદીના ફંડિંગ, તૂર્કિયેની આર્મી અને પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો સાથે 'ઈસ્લામિક નાટો'ની તૈયારી: ભારત માટે ચિંતાનો વિષય

વિશ્વના નકશા પર એક નવું લશ્કરી સમીકરણ આકાર લઈ રહ્યું છે. સંરક્ષણ નિષ્ણાતો જેને 'ઈસ્લામિક નાટો' ગણાવી રહ્યા છે, તે સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચેનું ગઠબંધન ભારતની સુરક્ષા માટે નવો પડકાર બની શકે છે.
વૈશ્વિક સ્તરે બદલાતા ભૌગોલિક રાજકીય સમીકરણો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, સપ્ટેમ્બર ૨૦૨૫માં સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા એક મહત્વપૂર્ણ સંરક્ષણ કરારમાં હવે તૂર્કિયે પણ સત્તાવાર રીતે જોડાવા જઈ રહ્યું છે. આ ત્રણેય રાષ્ટ્રો મળીને એક મજબૂત સૈન્ય બ્લોક બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે, જેને નિષ્ણાતો 'ઈસ્લામિક નાટો' તરીકે ઓળખાવી રહ્યા છે.
આ ગઠબંધનનું માળખું 'નાટો'ના 'અનુચ્છેદ ૫' જેવું જ છે, જે મુજબ જો આ ગઠબંધનના કોઈ એક દેશ પર હુમલો થશે, તો તેને ત્રણેય દેશો પરનો હુમલો ગણવામાં આવશે અને ત્રણેય દેશો સાથે મળીને તેનો જવાબ આપશે.
આ સંભવિત બ્લોકમાં ત્રણેય દેશોની ભૂમિકા સ્પષ્ટ છે: સાઉદી અરેબિયા આધુનિક હથિયારો અને સૈન્ય અભિયાનો માટે જંગી ભંડોળ (ફંડિંગ) પૂરું પાડશે. પાકિસ્તાન પરમાણુ શક્તિ સંપન્ન દેશ હોવાથી તે 'ન્યૂક્લિયર વેપન', બેલિસ્ટિક મિસાઈલો અને સૈનિકો (માનવબળ) પૂરા પાડશે. જ્યારે તૂર્કિયે તેની અદ્યતન 'ડ્રોન ટેકનોલોજી', ફાઈટર જેટ પ્રોગ્રામ (કાન) અને યુદ્ધ જહાજો બનાવવાની ક્ષમતા દ્વારા ટેકનિકલ સપોર્ટ આપશે.
ભારત માટે આ ચિંતાનો વિષય છે કારણ કે તૂર્કિયે અવારનવાર કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો પક્ષ લેતું આવ્યું છે. વળી, અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં આ ત્રણેય દેશોના નૌકાદળની સક્રિયતા ભારતની દરિયાઈ સુરક્ષા માટે નવું જોખમ ઊભું કરી શકે છે. તાજેતરમાં અંકારામાં ત્રણેય દેશોના નૌકાદળના વડાઓ વચ્ચે પ્રથમ બેઠક યોજાઈ હતી, જે આ ગઠબંધનની ગંભીરતા દર્શાવે છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
