<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી: આવતીકાલે મતદાન, ૨૫,૦૦૦ જવાનોનો લોખંડી બંદોબસ્ત અને રાજકીય ગરમાવો: ૧૬ જાન્યુઆરીએ મતગણતરી

એશિયાની સૌથી ધનિક મહાનગરપાલિકા બીએમસીની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થયા છે. આવતીકાલે ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મતદાન યોજાશે, જેના માટે મુંબઈ પોલીસે અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની ૨૨૭ બેઠકો માટે સત્તા મેળવવા રાજકીય પક્ષો વચ્ચેનો જંગ હવે અંતિમ ચરણમાં પહોંચ્યો છે. આવતીકાલે એટલે કે ૧૫ જાન્યુઆરીએ સવારથી સાંજ સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરાશે.

ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે મુંબઈ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થામાં ૧૦ અધિક પોલીસ કમિશનર, ૩૩ નાયબ પોલીસ કમિશનર (ડીસીપી), ૮૪ સહાયક પોલીસ કમિશનર અને ૨૫,૦૦૦થી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપીએફ અને ક્યુઆરટીની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

આ વખતની ચૂંટણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરે અને ભાજપના નેતા અન્નામલાઈ વચ્ચેનો શાબ્દિક યુદ્ધ ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. અન્નામલાઈની મુંબઈ અંગેની ટિપ્પણી પર વળતો પ્રહાર કરતા રાજ ઠાકરેએ તેમને 'રસમલાઈ' કહ્યા હતા અને લુંગી પહેરવા અંગે પણ ટિપ્પણી કરી હતી, જેનાથી 'મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી'નો મુદ્દો ફરી ગરમાયો છે. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે પણ વારસાની લડાઈ આ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થશે.

(12:42 PM IST)