<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસનો ફફડાટ: બે નર્સ સંક્રમિત, ૧૨૦ લોકો ક્વોરન્ટાઈન: એનઆઈવી પુણેએ બંને સેમ્પલમાં નિપાહ વાયરસ હોવાની પુષ્ટિ કરી છે. હાલમાં બંને દર્દીઓ વેન્ટિલેટર પર: એક નર્સની હાલત ગંભીર

પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં ખતરનાક નિપાહ વાયરસના બે કેસ નોંધાતા દેશભરના આરોગ્ય તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બારા સાત હોસ્પિટલની બે નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કેરળ બાદ હવે પશ્ચિમ બંગાળમાં જીવલેણ નિપાહ વાયરસે દેખા દીધી છે. બારા સાત હોસ્પિટલમાં ફરજ બજાવતી બે નર્સમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા, જેમના સેમ્પલ પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)માં મોકલવામાં આવ્યા હતા. એનઆઈવી પુણેએ બંને સેમ્પલમાં નિપાહ વાયરસ હોવાની પુષ્ટિ કરી છે. હાલમાં બંને દર્દીઓ વેન્ટિલેટર પર છે અને એક નર્સની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ચેપને ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. આ બંને નર્સના સંપર્કમાં આવેલા ૧૨૦ જેટલા લોકોની ઓળખ કરવામાં આવી છે અને તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જેમાં ડોક્ટરો, અન્ય નર્સિંગ સ્ટાફ અને એમ્બ્યુલન્સ ડ્રાઈવરોનો સમાવેશ થાય છે. 

તજજ્ઞોના મતે શિયાળામાં ગામડાઓમાં લોકો કાચી ખજૂરનો રસ પીતા હોય છે, જેના પર ચામાચીડિયા બેઠા હોય તો વાયરસ ફેલાવવાની શક્યતા વધી જાય છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં નિપાહનો પ્રથમ કેસ વર્ષ ૨૦૦૧માં સિલીગુડીમાં જોવા મળ્યો હતો. આ વાયરસનો મૃત્યુદર ૪૦થી ૭૫ ટકા જેટલો ઊંચો હોવાથી અને તેની કોઈ ચોક્કસ દવા કે રસી ઉપલબ્ધ ન હોવાથી સાવચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે.

(12:42 PM IST)