<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

યુકેમાં આવતા સપ્તાહે, ૧૭ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન ભયાનક બરફવર્ષાનું સંકટ: ૧૦ ઈંચ સુધી બરફ ખાબકવાની અને તાપમાન માઈનસ ૬ ડિગ્રી સુધી ગગડવાની શક્યતા

યુકેમાં આગામી સપ્તાહે ફરી એકવાર તીવ્ર ઠંડીનું મોજું ફરી વળશે: પારો માઈનસ ૬ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જઈ શકે છે.

લંડન: યુનાઈટેડ કિંગડમમાં 'સ્ટોર્મ ગોરેટ્ટી'ના કહેર બાદ હવે ફરી એકવાર આર્કટિક કોલ્ડવેવ અને ભારે હિમવર્ષાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતા સપ્તાહે દેશના કેટલાક ભાગોમાં ૧૦ ઈંચ સુધી બરફ પડી શકે છે અને આગામી ૧૭ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન શિયાળુ જોખમો યથાવત રહેવાની ભીતિ છે.

બ્રિટનના હવામાન અંગેના અહેવાલો અનુસાર, યુકેમાં આગામી સપ્તાહે ફરી એકવાર તીવ્ર ઠંડીનું મોજું ફરી વળશે. મિરરના અહેવાલ મુજબ, આર્કટિક તરફથી આવી રહેલા ઠંડા પવનોને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે અને પારો માઈનસ ૬ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જઈ શકે છે. ઉત્તર અને પશ્ચિમ દિશામાંથી આવતા લો પ્રેશર સિસ્ટમ અને આર્કટિકની ઠંડી હવા ભેગી થવાને કારણે વાતાવરણ અસ્થિર બનશે.

હવામાન વિભાગના ચાર્ટ દર્શાવે છે કે, આગામી ૨૨ જાન્યુઆરીના રોજ મધ્ય અને ઉત્તરી સ્કોટલેન્ડ તેમજ ઉત્તરી ઈંગ્લેન્ડમાં ભારે બરફવર્ષા થઈ શકે છે, જે ધીરે ધીરે પૂર્વ તરફ આગળ વધશે. સ્કોટલેન્ડના કેટલાક વિસ્તારોમાં ૩૦ સેન્ટીમીટર (લગભગ ૧૨ ઈંચ) સુધી અને ઉત્તરી ઈંગ્લેન્ડમાં ૧૪થી ૧૫ સેન્ટીમીટર સુધી બરફના થર જામી શકે છે, જ્યારે દક્ષિણ ઈંગ્લેન્ડના વિસ્તારોમાં પણ તાપમાન અત્યંત નીચું રહેવાની શક્યતા છે.

હવામાન કચેરી દ્વારા ૧૭ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી દરમિયાન 'વિન્ટર હેઝાર્ડ' (શિયાળુ જોખમો) અંગેની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. એટલાન્ટિક મહાસાગરમાંથી આવતા લો પ્રેશર સિસ્ટમને કારણે હવામાન પરિવર્તનશીલ રહેશે અને વરસાદ તેમજ બરફવર્ષાનો દોર ચાલુ રહી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, યુકે હજુ ગયા સપ્તાહે આવેલા 'સ્ટોર્મ ગોરેટ્ટી'ની અસરો અને પૂરના સંકટમાંથી બહાર આવી રહ્યું છે ત્યાં જ આ નવી આફતની આગાહી કરવામાં આવી છે. હાલમાં ઉત્તરી સ્કોટલેન્ડ અને દક્ષિણ ઈંગ્લેન્ડમાં છૂટાછવાયા વરસાદ અને ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

 

(3:27 PM IST)