<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

કેનેડામાં ભારતીય રાજદ્વારીએ આપ્યો જડબાતોડ જવાબ, કેનેડાના 'બેવડા ધોરણો' અને પુરાવા વગરના આરોપોની ખોલી પોલ

ઓટાવા અને નવી દિલ્હી વચ્ચેના સંબંધોમાં ગરમાવો: હાઈ કમિશનર દિનેશ પટનાયકે કેનેડાની સરકારને આઈનો બતાવ્યો અને પૂછ્યું- "જ્યારે અમે પુરાવા આપીએ ત્યારે કેમ મૌન સેવો છો?"

ઓટાવા:  કેનેડામાં ભારતના હાઈ કમિશનર દિનેશ પટનાયકે તાજેતરમાં એક ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન કેનેડાની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં ભારત પર લાગેલા પાયાવિહોણા આરોપોનો જવાબ આપતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે, "પુરાવા ક્યાં છે?" પટનાયકે કેનેડાના ન્યૂઝ નેટવર્ક CBS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કેનેડા છેલ્લા 40 વર્ષથી પોતાની ધરતી પર ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓ રોકવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે કેનેડાના બેવડા ધોરણોનો પર્દાફાશ કરતા કહ્યું કે, જ્યારે ભારત પુરાવા આપે છે ત્યારે કેનેડા પગલાં લેતું નથી, પરંતુ જ્યારે કેનેડા આરોપ લગાવે છે ત્યારે તે અપેક્ષા રાખે છે કે ભારત તેને પુરાવા વિના સ્વીકારી લે.

દિનેશ પટનાયકે કાયદાના પાયાના સિદ્ધાંતને યાદ અપાવતા કહ્યું કે, જ્યાં સુધી કોઈ વ્યક્તિ દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તે નિર્દોષ ગણાય છે. તેમણે કેનેડિયન સત્તાવાળાઓને ટોણો મારતા કહ્યું, "તમે માત્ર આરોપ લગાવીને એમ ન કહી શકો કે હવે સામે પક્ષે પોતાની નિર્દોષતા સાબિત કરવી પડશે. પુરાવા આપવાની જવાબદારી આરોપ લગાવનારની હોય છે." તેમણે વધુમાં ઉમેર્યું કે કેનેડામાં ઉગ્રવાદી તત્વો જેઓ લોકમત યોજે છે અને હિંસાને પ્રોત્સાહન આપે છે, તેમની સામે ભારત દ્વારા વારંવાર પુરાવા આપવામાં આવ્યા હોવા છતાં કેનેડા તેને "અપૂરતા" ગણાવીને નકારી દે છે. આથી, જો ભારત કેનેડાના આરોપોને પૂરતા પુરાવા ન હોવાને કારણે નકારે, તો કેનેડાએ પણ તે જ રીતે સ્વીકારવું જોઈએ.

જોકે, આ રાજદ્વારી તણાવ વચ્ચે આશાનું કિરણ પણ દેખાઈ રહ્યું છે. કેનેડાના નવા વડા પ્રધાન માર્ક કાર્નેએ ભારત સાથેના સંબંધોને ફરીથી પાટા પર લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. માર્ક કાર્નેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભારત મુલાકાતનું આમંત્રણ સ્વીકાર્યું છે, જે 2026ના પ્રારંભમાં થવાની શક્યતા છે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચે સ્થગિત થયેલા આર્થિક ભાગીદારી કરાર (CEPA) અને વેપાર સંબંધોને નવો વેગ મળે તેવી સંભાવના છે. દિનેશ પટનાયકે પણ આશા વ્યક્ત કરી છે કે જો કેનેડા તેની ધરતી પરથી ચાલતા ભારત વિરોધી ઉગ્રવાદ સામે કડક કાર્યવાહી કરશે, તો બંને દેશો વચ્ચેનો વિશ્વાસ ફરી સ્થાપિત થઈ શકે છે.

(5:41 PM IST)