News of Wednesday, 14th January 2026
ગ્લોબલ પોલિટિક્સમાં મોટો ભૂકંપ: ટ્રમ્પે મુસ્લિમ બ્રધરહુડની ત્રણ શાખાઓને 'આતંકવાદી' જાહેર કરી
મિડલ ઈસ્ટમાં નવા સમીકરણો: ઈરાનમાં હિંસા અને અસ્થિરતા વચ્ચે અમેરિકાએ ઇજિપ્ત, લેબનોન અને જોર્ડનની બ્રધરહુડ શાખાઓ પર લાદ્યો પ્રતિબંધ : સાઉદી અરેબિયા અને UAEએ ગણાવ્યું ઐતિહાસિક પગલું

રિયાધ: મધ્ય પૂર્વના રાજકારણમાં એક અત્યંત શક્તિશાળી ગણાતા સંગઠન 'મુસ્લિમ બ્રધરહુડ' વિરુદ્ધ અમેરિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે 13 જાન્યુઆરી, 2026ના રોજ એક મોટો નિર્ણય લેતા ઇજિપ્ત, જોર્ડન અને લેબનોનમાં સક્રિય મુસ્લિમ બ્રધરહુડની શાખાઓને આતંકવાદી સંગઠનો તરીકે નિયુક્ત કરી છે. લેબનીઝ શાખા (જમા-એ-ઇસ્લામિયા) ને 'વિદેશી આતંકવાદી સંગઠન' (FTO) જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ઇજિપ્ત અને જોર્ડનની શાખાઓ પર હમાસને મદદ કરવાનો આરોપ લગાવીને તેમને 'વૈશ્વિક આતંકવાદી' (SDGT) ની યાદીમાં મૂકવામાં આવી છે. આ નિર્ણયને કારણે આ સંગઠનોની અમેરિકામાં રહેલી તમામ સંપત્તિઓ ફ્રીઝ થઈ જશે અને તેમની સાથે વ્યવહાર કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થશે.
આ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) એ અમેરિકાના આ પગલાંને જોરદાર સમર્થન જાહેર કર્યું છે. સાઉદી વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં આ એક અનિવાર્ય ડગલું છે જે પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા માટે અત્યંત જરૂરી છે. સાઉદી અરેબિયા પોતે 2014 થી મુસ્લિમ બ્રધરહુડને આતંકવાદી સંગઠન ગણી ચૂક્યું છે. ઇજિપ્ત અને UAE એ પણ આ નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું છે કે આનાથી ઉગ્રવાદી વિચારધારાઓને મળતું ભંડોળ અટકશે અને આરબ દેશોમાં શાંતિ સ્થાપવામાં મદદ મળશે.
નોંધનીય છે કે આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઈરાનમાં આંતરિક હિંસા ચરમસીમાએ છે અને ટ્રમ્પ વહીવટીતંત્ર મધ્ય પૂર્વમાં ઈરાન સમર્થિત જૂથો પર શિકંજો કસી રહ્યું છે. લેબનોનમાં બ્રધરહુડની શાખા પર ઈઝરાયેલ વિરુદ્ધ રોકેટ હુમલા કરવાનો આરોપ છે, જ્યારે જોર્ડનની શાખા હમાસને શસ્ત્રો અને પૈસા પૂરા પાડતી હોવાનું યુએસ ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં જણાવાયું છે. બીજી તરફ, મુસ્લિમ બ્રધરહુડની ઇજિપ્તીયન શાખાએ આ આરોપોને ફગાવી દીધા છે અને તેને કાયદાકીય રીતે પડકારવાની જાહેરાત કરી છે. આ પ્રતિબંધો બાદ હવે કતાર અને તુર્કી જેવા દેશો સાથે અમેરિકાના સંબંધોમાં કેવો વળાંક આવે છે તેના પર વિશ્વભરના નિષ્ણાતોની નજર છે.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
