<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

ઈરાનમાં લોહીની નદીઓ વહી: ૨,૫૦૦ ના મોત અને ૧૮,૦૦૦ ની ધરપકડ બાદ હવે ‘ફાંસી’નો રાઉન્ડ શરૂ; શું ટ્રમ્પ ઈરાન પર મિસાઈલ હુમલો કરશે?

૧૮૭ શહેરોમાં ફેલાયો બળવો, ૨૬ વર્ષીય ઈરફાન સોલ્તાનીને પહેલી ફાંસી આપવાની તૈયારી; અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા આદેશ આપતા યુદ્ધના એંધાણ

તેહરાન: ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ ચાલી રહેલા જન આંદોલને હવે અત્યંત ભયાનક અને લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૧૭ દિવસથી સતત ચાલતા આ વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક ૨,૫૦૦ ને વટાવી ગયો છે, જેમાં માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય દબાણને ઠોકરે મારીને ઈરાની વહીવટીતંત્ર હવે પ્રદર્શનકારીઓને ફાંસીના માંચડે ચડાવવાની તૈયારી કરી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં રોષની લાગણી ફેલાઈ છે.
ઈરાન સરકાર વિરોધી પ્રદર્શનકારીઓને ડરાવવા માટે હવે નિર્દયતાની હદ વટાવી રહી છે. ૨૬ વર્ષીય યુવાન ઈરફાન સોલ્તાનીને ફાંસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે વર્તમાન આંદોલન દરમિયાન કોઈ પ્રદર્શનકારીને ફાંસી આપવાની પ્રથમ ઘટના હશે. નેશનલ યુનિયન ફોર ડેમોક્રેસી ઇન ઈરાન (NUFD) એ આનો સખત વિરોધ કર્યો છે, પરંતુ ખામેની સરકાર ઝૂકવા તૈયાર નથી. ૧૮૭ શહેરોમાં ફેલાયેલો આ જ્વાળામુખી હવે સરકારને ઉથલાવી દેવાની માંગમાં ફેરવાઈ ગયો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની સરકારને કડક ચેતવણી આપી છે કે જો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર અત્યાચાર બંધ નહીં થાય, તો અમેરિકા લશ્કરી કાર્યવાહી કરતા અચકાશે નહીં. ટ્રમ્પે ઈરાનને ‘પહેલો કિલર’ ગણાવ્યો છે અને ત્યાંની સ્થિતિનું પળેપળનું મૂલ્યાંકન કરી રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે અમેરિકાએ તેના નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડી દેવાની એડવાઈઝરી જારી કરી છે, જેને સંભવિત હુમલાની પૂર્વતૈયારી માનવામાં આવી રહી છે.
બીજી તરફ, અમેરિકામાં નિર્વાસિત જીવન જીવતા ઈરાનના રાજકુમાર રેઝા પહલવી પણ મેદાનમાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, ઈરાની પ્રજાની હિંમતનો અવાજ હવે સરહદો ઓળંગી ગયો છે અને દુનિયા તેમની સાથે ઉભી છે. ૧૮,૦૦૦ થી વધુ લોકો જેલના સળિયા પાછળ છે અને સેંકડો લોકો સુરક્ષા દળોના ગોળીબારમાં ઘાયલ થયા છે. હવે જોવાનું એ રહેશે કે શું ટ્રમ્પની ધમકી માત્ર શબ્દો છે કે પછી મધ્ય પૂર્વમાં વધુ એક યુદ્ધના નગારા વાગશે.

(8:31 PM IST)