News of Wednesday, 14th January 2026
હઝારીબાગમાં મકરસંક્રાંતિના દિવસે જ સર્જાયો કાળમુખો બોમ્બ બ્લાસ્ટ: જમીનમાં દાટેલો બોમ્બ ફાટતા પતિ-પત્ની સહિત ૩ના કમકમાટીભર્યા મોત
ઝાડીઓ સાફ કરતી વખતે કોદાળી જમીનમાં વાગતા જ થયો જોરદાર ધડાકો; ફોરેન્સિક અને ડોગ સ્ક્વોડની ટીમ તપાસમાં લાગી, આખું શહેર ગભરાટમાં

હઝારીબાગ: ઝારખંડના હઝારીબાગમાં આજે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારના દિવસે જ એક ભયાનક દુર્ઘટના ઘટી છે. શહેરના બડા બજાર વિસ્તારમાં આવેલા હબીબીનગરમાં બુધવારે સાંજે ભૂગર્ભમાં દટાયેલો એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ હતી. આ આકસ્મિક ધડાકામાં એક જ પરિવારના પતિ-પત્ની સહિત કુલ ૩ લોકોના કરુણ મોત નીપજ્યા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ કિલોમીટરો સુધી સંભળાયો હતો, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો છે.
ખેતરમાં કામ કરતી વખતે કાળ ભેટ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, મોહમ્મદ સદ્દામ હુસૈન પોતાની માલિકીની જમીન પર ઉગી નીકળેલી ઝાડીઓ સાફ કરી રહ્યા હતા. તેમની સાથે પત્ની નન્હી પરવીન અને સંબંધી રશીદા પરવીન પણ મદદ કરી રહ્યા હતા. સાંજે અંદાજે ૪:૩૦ વાગ્યે જેવી સદ્દામની કોદાળી જમીનમાં વાગી, તેવી જ રીતે અંદર દટાયેલો બોમ્બ જોરદાર ધડાકા સાથે ફાટ્યો હતો. આ દુર્ઘટનામાં સદ્દામ અને નન્હીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે રશીદા પરવીને હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
વિસ્તારનો જૂનો ગુનાહિત ઇતિહાસ
હઝારીબાગનો આ હબીબીનગર વિસ્તાર અગાઉ પણ વિસ્ફોટોને કારણે વિવાદમાં રહ્યો છે. એપ્રિલ ૨૦૧૬માં પણ અહીં બોમ્બ બનાવતી વખતે થયેલા વિસ્ફોટમાં ૬ લોકોના મોત થયા હતા. હવે ફરીથી થયેલા આ વિસ્ફોટે અનેક સવાલો ઉભા કર્યા છે. શું આ બોમ્બ જૂનો હતો કે કોઈ નવા ષડયંત્રના ભાગરૂપે દાટવામાં આવ્યો હતો? તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ
ઘટનાની જાણ થતા જ સદર એસડીપીઓ અમિત આનંદ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. વિસ્ફોટની તીવ્રતા અને તે કયા પ્રકારનો વિસ્ફોટક હતો તે જાણવા માટે ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. મકરસંક્રાંતિના દિવસે જ બનેલી આ ઘટનાથી આખા હઝારીબાગમાં માતમ છવાઈ ગયો છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
