ઝુબિન ગર્ગ ડેથ મિસ્ટ્રી: સિંગાપોર પોલીસનો કોર્ટમાં ઘટસ્ફોટ: "હત્યા નહીં, પણ ભારે નશો અને બેદરકારી કારણ"
સિંગાપોર પોલીસે કોર્ટમાં જણાવ્યું કે ગાયક અત્યંત નશાની હાલતમાં હતા અને વારંવાર સમજાવવા છતાં લાઈફ જેકેટ પહેરવાનો ઈનકાર કર્યો હતો : જેના કારણે લાઝારસ આઈલેન્ડ પાસે ડૂબી જવાથી તેમનું કરુણ મોત નીપજ્યું

સિંગાપોર : આસામના સાંસ્કૃતિક આઈકોન ગણાતા ઝુબિન ગર્ગના મૃત્યુના કેસમાં સિંગાપોર પોલીસે બુધવારે કોર્ટ સમક્ષ ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે. મુખ્ય તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે 19 સપ્ટેમ્બરના રોજ જ્યારે આ ઘટના બની, ત્યારે ઝુબિન ગર્ગ "અત્યંત નશામાં" (Severely Intoxicated) હતા. રિપોર્ટ અનુસાર, તેમના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતા અનેકગણું વધારે એટલે કે 333 મિલિગ્રામ પ્રતિ 100 મિલી જોવા મળ્યું હતું. પોલીસે સ્પષ્ટ કર્યું કે ઝુબિને શરૂઆતમાં લાઈફ જેકેટ પહેર્યું હતું, પરંતુ બાદમાં તેને ઉતારી નાખ્યું હતું. જ્યારે તેમને બીજું જેકેટ પહેરવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે તેનો ઇનકાર કરી દીધો હતો અને લાઈફ જેકેટ વિના જ દરિયામાં તરવાનું પસંદ કર્યું હતું, જે જીવલેણ સાબિત થયું.
સિંગાપોર પોલીસના આ ખુલાસાથી આસામ પોલીસની તપાસ પર સવાલો ઊભા થયા છે. આસામ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ આ કેસમાં 12,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં ઝુબિન ગર્ગના મૃત્યુને સુનિયોજિત "હત્યા" ગણાવવામાં આવી છે. આસામ સરકારે આ મામલે સાત લોકોની ધરપકડ કરી છે, જેમાં ગાયકના મેનેજર સિદ્ધાર્થ શર્મા, ઇવેન્ટ ઓર્ગેનાઈઝર શ્યામકાનુ મહંત અને તેમના બેન્ડના સભ્યોનો સમાવેશ થાય છે. આસામ પોલીસનો આરોપ છે કે ઝુબિનને જાણીજોઈને નશો કરાવીને પાણીમાં ઉતારવામાં આવ્યા હતા અને જ્યારે તેઓ ડૂબી રહ્યા હતા ત્યારે તેમને બચાવવાને બદલે "જાબો દે" (જવા દો) કહીને મરવા માટે છોડી દેવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આ કેસને ગંભીરતાથી લેતા પાંચ વરિષ્ઠ વકીલોની ટીમ તૈયાર કરી છે જેથી આરોપીઓને સખત સજા કરાવી શકાય. જોકે, સિંગાપોર પોલીસે કોઈ પણ પ્રકારના 'ફાઉલ પ્લે' (ષડયંત્ર)નો ઇનકાર કર્યો છે અને તેને માત્ર એક અકસ્માત ગણાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સિંગાપોર પોલીસના આ નિવેદન બાદ આસામ સરકારની તપાસ કઈ દિશામાં જાય છે. ચાહકોમાં હજુ પણ રોષ છે અને તેઓ "જસ્ટિસ ફોર ઝુબિન" ની માંગ કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
