News of Wednesday, 14th January 2026
ડ્રોન કાવતરાખોર પાકિસ્તાનને આર્મી ચીફની છેલ્લી વોર્નિંગ: ‘જો ખીણમાં આતંકી નાપાક હરકત કરી તો સીમા પાર ઘૂસીને કરીશું લોહીલુહાણ વળતો પ્રહાર’
DGMO સ્તરની બેઠકમાં ભારતે પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું; સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીનો લલકાર - “આતંકની નવી સાઝિશનો જવાબ હવે માત્ર વાતોથી નહીં, પણ કરારા હથિયારોથી અપાશે”

નવી દિલ્હી:સીમા પારથી સતત વધી રહેલા ડ્રોન કાવતરાં અને આતંકવાદી ગતિવિધિઓને લઈને ભારતીય સેના હવે આરપારના મૂડમાં આવી ગઈ છે. ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને અત્યંત કડક શબ્દોમાં અંતિમ ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો કાશ્મીર ખીણમાં શાંતિ ડહોળવાનો કે આતંકી કાવતરાં કરવાનો સહેજ પણ પ્રયાસ કરવામાં આવશે, તો ભારતીય સેના એવો વળતો પ્રહાર કરશે કે જેની કલ્પના પણ પાકિસ્તાને નહીં કરી હોય.
તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) સ્તરની મહત્વની બેઠકમાં ભારતે પાકિસ્તાનના ડ્રોન અતિક્રમણ મુદ્દે કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતે પુરાવા સાથે જણાવ્યું છે કે સીમા પારથી હથિયારો અને ડ્રગ્સ સપ્લાય કરવા માટે જે રીતે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે, તે ભારતની સુરક્ષા સામે મોટો પડકાર છે. આર્મી ચીફે ભારપૂર્વક જણાવ્યું કે LoC પર કોઈપણ પ્રકારની ઉશ્કેરણીનો જવાબ હવે અત્યંત ઘાતક રીતે આપવામાં આવશે.
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન તરફથી ભારતીય સીમામાં ડ્રોન મોકલીને આતંકવાદીઓને મદદ કરવાનું પ્રમાણ વધ્યું છે. આ અંગે સેના પ્રમુખે જણાવ્યું કે અમારી ટેકનોલોજી અને જવાનો આ કાવતરાઓને નિષ્ફળ બનાવવા માટે સક્ષમ છે. તેમણે પાકિસ્તાની સેનાને ચેતવણી આપી છે કે તેઓ આતંકવાદીઓને સમર્થન આપવાનું બંધ કરે, અન્યથા ભારતીય સેના કોઈપણ હદ સુધી જઈને આ આતંકવાદી અડ્ડાઓનો નાશ કરવા માટે તૈયાર છે.
સેના પ્રમુખના આ નિવેદન બાદ લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય બનાવી દેવામાં આવી છે. સેના હવે આધુનિક એન્ટી-ડ્રોન સિસ્ટમ અને અત્યાધુનિક હથિયારો સાથે સજ્જ છે. જનરલ દ્વિવેદીએ સૈનિકોનો ઉત્સાહ વધારતા કહ્યું કે, ભારતની અખંડિતતા અને નાગરિકોની સુરક્ષા સાથે કોઈપણ સમજૂતી કરવામાં આવશે નહીં. પાકિસ્તાનની દરેક નાપાક હરકત પર ભારતીય સેનાની બાજ નજર છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
