<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

ટ્રમ્પનો ઇસ્લામિક કટ્ટરવાદ પર પ્રહાર: ‘મુસ્લિમ બ્રધરહુડ’ વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર, જાણો કેમ અમેરિકાના આ નિર્ણયથી સાઉદી-UAE માં ઉજવણી અને તુર્કીમાં ફાળ પડી

૧૯૨૮માં સ્થપાયેલું સંગઠન હવે અમેરિકાના નિશાને; શરિયા કાયદાના હિમાયતી ‘બ્રધરહુડ’ પર પ્રતિબંધથી મધ્ય-પૂર્વના દેશોના રાજકારણમાં આવશે મોટો ભૂકંપ, જાણો શું છે આ સંગઠનનો લોહિયાળ ઈતિહાસ

વોશિંગ્ટન: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં જ એક મોટો ભૌગોલિક-રાજકીય ધડાકો કરતા ‘મુસ્લિમ બ્રધરહુડ’ને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું છે. અમેરિકાના આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે હવે આ સંગઠનની ઇજિપ્ત, જોર્ડન અને લેબનોન સહિતની તમામ શાખાઓ પર વૈશ્વિક પ્રતિબંધ લાગુ થશે. આ પગલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઇસ્લામિક કટ્ટરપંથી જૂથોના ફંડિંગ અને પ્રભાવ પર મોટી લગામ લાગવાની શક્યતા છે.
 આ સંગઠનની સ્થાપના ૧૯૨૮માં ઇજિપ્તમાં હસન અલ-બન્ના દ્વારા કરવામાં આવી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ‘ઇસ્લામ જ એકમાત્ર ઉકેલ છે’ ના નારા હેઠળ વિશ્વભરમાં શરિયા કાયદો સ્થાપિત કરવાનો છે. જોકે આ જૂથ રાજકીય રીતે સક્રિય હોવાનો દાવો કરે છે, પરંતુ તેનો ઇતિહાસ હિંસા, હત્યાઓ અને કટ્ટરવાદથી ભરેલો છે. ૨૦૧૧ના આરબ સ્પ્રિંગ પછી આ સંગઠન ઇજિપ્તમાં સત્તા પર આવ્યું હતું, પરંતુ મોહમ્મદ મોર્સીના વિભાજનકારી શાસનને કારણે સેનાએ ૨૦૧૩માં તેમને ઉથલાવી દીધા હતા.
ટ્રમ્પના આ નિર્ણયથી સંયુક્ત આરબ અમીરાત (UAE) અને સાઉદી અરેબિયામાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ દેશો લાંબા સમયથી બ્રધરહુડને પોતાની સ્થિરતા માટે ખતરો માનતા આવ્યા છે અને તેને પહેલેથી જ આતંકવાદી જાહેર કરી ચૂક્યા છે. બીજી તરફ, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન માટે આ એક મોટો આંચકો છે, કારણ કે તેઓ આ વિચારધારાના ખુલ્લેઆમ સમર્થક માનવામાં આવે છે. આ નિર્ણયથી અમેરિકા અને તુર્કીના સંબંધોમાં પણ નવો તણાવ આવી શકે છે.
 અમેરિકા દ્વારા આતંકવાદી સંગઠન (FTO) જાહેર થયા બાદ હવે આ જૂથ સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સાથે નાણાકીય વ્યવહાર ગુનો ગણાશે. તેમની મિલકતો જપ્ત કરવામાં આવશે અને સભ્યોના વિઝા પર પણ પ્રતિબંધ લાગશે. આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતો માને છે કે ટ્રમ્પનું આ પગલું મધ્ય-પૂર્વમાં ઇસ્લામિક સંગઠનોની તાકાત ઘટાડવા માટે માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ પ્રતિબંધ બાદ કતાર અને તુર્કી જેવા દેશો પોતાની રણનીતિમાં શું ફેરફાર કરે છે.

(9:02 PM IST)