<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

ભાજપના ધારાસભ્યને ‘હનીટ્રેપ’માં ફસાવવાનો ખતરનાક ખેલ: મદદ માંગવા આવેલી મહિલાએ ૨ કરોડ માંગ્યા, ન આપે તો બળાત્કારના કેસની ધમકી

ધરમપુરીના ધારાસભ્ય કાલુ સિંહ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ કરી ખોલી પોલ; મહિલા અને તેના મુસ્લિમ સાથી વિરુદ્ધ CM અને SP ને ફરિયાદ, વહીવટીતંત્રના વલણ સામે રોષ

ધાર (મધ્યપ્રદેશ): મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યને બ્લેકમેલ કરી ૨ કરોડ રૂપિયા માંગવાની ઘટનાએ રાજકીય આલમમાં ભારે સનસનાટી મચાવી દીધી છે. ધરમપુરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાલુ સિંહ ઠાકુરે એક મહિલા અને તેના મુસ્લિમ સાથી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ધારાસભ્યના જણાવ્યા અનુસાર, જે મહિલાને તેમણે નિઃસ્વાર્થ ભાવે મદદ કરી હતી, તે જ મહિલા હવે તેમને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મોટી રકમ પડાવવા માંગે છે.
મદદના બદલામાં મળ્યું બ્લેકમેલિંગ
ધારાસભ્ય કાલુ સિંહ ઠાકુરે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેમના જ મતવિસ્તારની એક મહિલા થોડા સમય પહેલા તેમની પાસે મદદ માટે આવી હતી. એક લોકપ્રતિનિધિ તરીકે તેમણે મહિલાની મદદ કરી, પરંતુ ત્યારબાદ રમત બદલાઈ ગઈ. મહિલા અને તેના મુસ્લિમ સાથીએ ફોન પર ધારાસભ્ય પાસે ૨ કરોડ રૂપિયાની માંગણી કરી અને જો આ રકમ ન આપવામાં આવે તો તેમની આબરૂ ધૂળમાં મેળવવા બળાત્કારનો ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી.
અધિકારીઓના અસહકારથી ધારાસભ્ય લાચાર?
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ધારાસભ્ય ઠાકુરે જિલ્લાના વહીવટી અને પોલીસ અધિકારીઓ સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે જિલ્લા કલેક્ટર અને એસપી મયંક અવસ્થી આ મામલે તેમને પૂરતો સહયોગ આપી રહ્યા નથી, જેના કારણે તેમણે મીડિયા સમક્ષ આવવાની ફરજ પડી છે. તેમણે કહ્યું, "જો વહીવટીતંત્ર સમયસર કાર્યવાહી કરતું હોત તો મારે પ્રેસ કોન્ફરન્સ ન કરવી પડી હોત. હવે મને મીડિયાના સમર્થનની જરૂર છે."
મુખ્યમંત્રી અને સંગઠન સુધી પહોંચ્યો મામલો
આ હાઈ-પ્રોફાઈલ બ્લેકમેલિંગ કેસની ગંભીરતા જોતા ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને ભાજપ સંગઠનના હોદ્દેદારોને પણ લેખિત જાણ કરી છે. મુખ્યમંત્રીએ આ બાબતે તટસ્થ તપાસનું આશ્વાસન આપ્યું છે. ધારાસભ્યએ દાવો કર્યો છે કે તેમણે મહિલાના પરિવાર સાથે પણ વાત કરી છે અને જાણવા મળ્યું છે કે તેનો પરિવાર પણ તેના કારનામાઓથી નારાજ છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ બ્લેકમેલરો વિરુદ્ધ ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે.

(10:26 PM IST)