News of Thursday, 15th January 2026
બાંગ્લાદેશ ક્રિકેટમાં ભૂકંપ: "પૈસા પાછા આપો" વાળા નિવેદનથી ખેલાડીઓ લાલઘૂમ, BCB ડિરેક્ટરના રાજીનામા સુધી બહિષ્કારનું અલ્ટીમેટમ
વર્લ્ડ કપમાં ખરાબ રમશો તો વળતર નહીં મળે અને રિફંડ આપવું પડશે તેવા વિવાદાસ્પદ નિવેદન બાદ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) પર જોખમના વાદળો

ઢાકા, તા. ૧૫ : બાંગ્લાદેશ ક્રિકેટ અત્યારે અત્યાર સુધીના સૌથી મોટા વંટોળમાં ફસાયું હોય તેવું લાગી રહ્યું છે. બાંગ્લાદેશના ક્રિકેટર્સ વેલ્ફેર એસોસિએશને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના ડિરેક્ટર અને ફાઇનાન્સ કમિટીના ચેરમેન એમ. નજમુલ ઇસ્લામ સામે મોરચો માંડ્યો છે. ખેલાડીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો નજમુલ ઇસ્લામ તાત્કાલિક અસરથી રાજીનામું નહીં આપે, તો આજથી જ તમામ મેચોનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે.
વિવાદનું કારણ: "રિફંડ" માંગવાની ટિપ્પણી આ સમગ્ર વિવાદની શરૂઆત નજમુલ ઇસ્લામની એક અત્યંત વિવાદાસ્પદ ટિપ્પણીથી થઈ હતી. તેમણે એવું સૂચન કર્યું હતું કે જો બાંગ્લાદેશની ટીમ આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન ન કરે અથવા ભાગ ન લે, તો ખેલાડીઓ કોઈપણ પ્રકારનું વળતર મેળવવા માટે હકદાર નથી. એટલું જ નહીં, તેમણે ત્યાં સુધી કહ્યું કે બોર્ડ નબળા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન બદલ ક્રિકેટરો પાસેથી નાણાંનું રિફંડ માંગી શકે છે. આ નિવેદને ખેલાડીઓના સ્વમાનને ઠેસ પહોંચાડી છે.
મિથુનનું અલ્ટીમેટમ અને BPL પર જોખમ એક ઈમરજન્સી ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ મિથુને આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, "નજમુલનું નિવેદન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેનાથી ક્રિકેટ સમુદાયને ઊંડો આઘાત લાગ્યો છે." તેમણે બપોરે ૧:૦૦ વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે જો રાજીનામું નહીં મળે તો ચાલુ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) સહિતની તમામ ક્રિકેટ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવામાં આવશે. ખેલાડીઓ હવે માત્ર રાજીનામું જ નહીં, પણ BCB પ્રમુખ અમીનુલ ઇસ્લામ બુલબુલ પાસેથી જાહેર માફીની પણ માંગ કરી રહ્યા છે.
બોર્ડની સફાઈ અને ડેમેજ કંટ્રોલ પરિસ્થિતિ હાથ બહાર જતી જોઈ BCB એ તરત જ નિવેદન જારી કરીને પોતાનો બચાવ કર્યો છે. બોર્ડે આ ટિપ્પણીઓને નજમુલના 'વ્યક્તિગત વિચારો' ગણાવ્યા છે અને કહ્યું છે કે આ બોર્ડનું સત્તાવાર વલણ નથી. જોકે, બોર્ડે આ મામલે ખેદ વ્યક્ત કર્યો છે અને શિસ્તભંગના પગલાં લેવાની ખાતરી આપી છે, પરંતુ ખેલાડીઓ અત્યારે કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં જણાતા નથી. હવે જોવાનું એ રહેશે કે બાંગ્લાદેશ ક્રિકેટનું આ સંકટ કેવી રીતે ટળે છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
