News of Thursday, 15th January 2026
ગ્રીનલેન્ડ પર કબજાની ટ્રમ્પની ધમકીથી નાટોમાં ભંગાણના એંધાણ: ડેનમાર્કના સમર્થનમાં મેદાનમાં આવ્યા યુરોપિયન દેશો, સૈનિકોની તૈનાતી શરૂ
"ગ્રીનલેન્ડ જોઈએ જ, ભલે તેમને પસંદ હોય કે ન હોય" - ટ્રમ્પના આક્રમક નિવેદન બાદ જર્મની, ફ્રાન્સ અને સ્વીડને આર્કટિકમાં સૈન્ય મોકલ્યું; દાયકાઓ જૂના સુરક્ષા જોડાણ પર જોખમ

નુઉક (ગ્રીનલેન્ડ), તા. ૧૫ : વિશ્વના સૌથી વ્યૂહાત્મક આર્કટિક ટાપુ ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણે વૈશ્વિક રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે જો જરૂરી હોય તો 'બળપ્રયોગ' કરીને પણ ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપતા, નાટો (NATO) સાથી દેશો ડેનમાર્કની વહારે આવ્યા છે. ઈતિહાસમાં પ્રથમવાર એવી સ્થિતિ સર્જાઈ છે જ્યાં નાટોના સભ્યો જ પોતાના સૌથી શક્તિશાળી સાથી અમેરિકા સામે એક થઈને ગ્રીનલેન્ડમાં સૈન્ય જમાવડો કરી રહ્યા છે.
યુરોપિયન દેશોની સૈન્ય એન્ટ્રી
અમેરિકાના સંભવિત હુમલા કે બળજબરીથી જોડાણના ડર વચ્ચે જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને નોર્વેએ ગ્રીનલેન્ડમાં પોતાના લશ્કરી કર્મચારીઓ મોકલવાની પુષ્ટિ કરી છે. ડેનમાર્કે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગ્રીનલેન્ડ પર કોઈપણ પ્રકારનો હુમલો એ 'નાટો' સંગઠનનો અંત લાવશે. આ તણાવ વચ્ચે જર્મનીએ તેની 'રિકોનિસન્સ ટીમ' મોકલી છે, જ્યારે સ્વીડન અને ફ્રાન્સ 'ઓપરેશન આર્કટિક એન્ડ્યુરન્સ' હેઠળ પોતાના એકમો તૈનાત કરી રહ્યા છે.
ટ્રમ્પનું અલ્ટીમેટમ અને રાજદ્વારી ગરમાવો
રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "અમે ગ્રીનલેન્ડ પર કંઈક કરવા જઈ રહ્યા છીએ, ભલે તેઓ (ડેનમાર્ક) તેને પસંદ કરે કે ન કરે." ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે ગ્રીનલેન્ડ પર અમેરિકાનું નિયંત્રણ હોવું એ નાટો માટે પણ ફાયદાકારક છે. જોકે, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના અધિકારીઓએ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ સાથેની બેઠકમાં આ પ્રસ્તાવને નકારી દીધો છે. કેનેડાએ પણ ડેનમાર્કની સાર્વભૌમત્વને સમર્થન જાહેર કર્યું છે.
નુઉકમાં નવા કોન્સ્યુલેટ અને પ્રતીકાત્મક વિરોધ
માત્ર સૈન્ય જ નહીં, પણ રાજદ્વારી મોરચે પણ અમેરિકાને ઘેરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. કેનેડા અને ફ્રાન્સે ગ્રીનલેન્ડની રાજધાની નુઉક (Nuuk) માં પોતાના વાણિજ્ય દૂતાવાસ (Consulates) ખોલવાની જાહેરાત કરી છે. ફ્રાન્સના વિદેશ મંત્રીએ અમેરિકાને આ 'બ્લેકમેલિંગ' બંધ કરવા વિનંતી કરી છે. અત્યારે સ્થિતિ એવી છે કે ઉત્તરપશ્ચિમ ગ્રીનલેન્ડમાં અમેરિકાના પિટુફિક સ્પેસ બેઝ પર ૧૫૦ અમેરિકી સૈનિકો પહેલેથી હાજર છે, જ્યારે તેની સામે હવે યુરોપિયન દેશોના સૈનિકો ગોઠવાઈ રહ્યા છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
