<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

દિલ્હીમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરો સાથે પોલીસનું ભયાનક એન્કાઉન્ટર: ગોળીબાર વચ્ચે બેની ધરપકડ, એક શૂટરને પગમાં ગોળી વાગી

પોલીસ કોન્સ્ટેબલ પર પણ થયું ફાયરિંગ, બુલેટપ્રૂફ જેકેટે બચાવ્યો જીવ; જિમ અને વેપારીઓ પાસેથી ખંડણી વસૂલતા ગેંગસ્ટરોનો ખેલ ખતમ

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર પોલીસ અને ગુનેગારો વચ્ચે ફિલ્મી સ્ટાઈલનું એન્કાઉન્ટર જોવા મળ્યું છે. બુધવારે મોડી રાત્રે ઉત્તર જિલ્લાની નાર્કોટિક્સ વિરોધી ટીમે લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે ખતરનાક શૂટરોને હિરનાકી મોર પાસે ઘેરી લીધા હતા. પોલીસને જોઈને શૂટરોએ બચવા માટે અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં એક ગોળી પોલીસ કોન્સ્ટેબલને પણ વાગી હતી, પરંતુ બુલેટપ્રૂફ જેકેટને કારણે તેનો ચમત્કારિક બચાવ થયો હતો.
જવાબી કાર્યવાહીમાં શૂટરને પગમાં વાગી ગોળી
પોલીસે આત્મરક્ષણ માટે કરેલી જવાબી કાર્યવાહીમાં એક શૂટરને પગમાં ગોળી વાગી હતી અને તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. પોલીસે તુરંત જ તેને હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત અત્યારે સ્થિર છે. પકડાયેલા શૂટરોમાં એકની ઓળખ દીપક તરીકે થઈ છે, જ્યારે બીજો સાથી શૂટર સગીર વયનો હોવાનું બહાર આવ્યું છે. આ શૂટરો પશ્ચિમ વિહાર અને વિનોદ નગર જેવા વિસ્તારોમાં આતંક મચાવી રહ્યા હતા.
લોરેન્સ ગેંગ માટે વસૂલતા હતા ખંડણી
પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ બંને શૂટરો લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઈશારે પશ્ચિમ વિહારના 'આરકે ફિટનેસ જીમ' અને પશ્ચિમ વિનોદ નગરમાં એક વેપારી પર ફાયરિંગ કરીને મોટી રકમની ખંડણીની માંગણી કરવામાં સંડોવાયેલા હતા. આ ઘટનાઓ બાદ પોલીસની અનેક ટીમો સતત તેમની શોધમાં હતી અને ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન પાર પાડી તેમને ઝડપી પાડ્યા છે.
હથિયારોનો જથ્થો અને સ્કૂટર જપ્ત
એન્કાઉન્ટર બાદ પોલીસે ઘટનાસ્થળેથી બે અત્યાધુનિક પિસ્તોલ, જીવંત કારતૂસ અને ગુનામાં વપરાયેલું એક સ્કૂટર જપ્ત કર્યું છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના આ શૂટરો દિલ્હીમાં અન્ય કોઈ મોટી વારદાતને અંજામ આપવાની ફિરાકમાં હતા કે કેમ તેની પૂછપરછ ચાલી રહી છે. દિલ્હી પોલીસની આ સફળતાને ગુનેગારોના નેટવર્કને તોડવા માટે એક મોટું કદમ માનવામાં આવે છે.

(6:07 PM IST)