<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

AI ક્ષેત્રે 'મેગા ડીલ': સેમ ઓલ્ટમેનની OpenAI અને સેરેબ્રાસ વચ્ચે $10 બિલિયનનો કરાર; Nvidia ના એકહથ્થુ શાસનને ટક્કર આપવાની તૈયારી

ChatGPT હવે વધુ ઝડપથી 'વિચારી' શકશે; ત્રણ વર્ષમાં 750 મેગાવોટ કમ્પ્યુટિંગ પાવર સાથે OpenAI દુનિયાના સૌથી શક્તિશાળી AI મોડેલ્સ બનાવશે

સિલિકોન વેલી : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં અત્યારે એક જ નામનો દબદબો છે - Nvidia. પરંતુ હવે ChatGPT બનાવનારી કંપની OpenAI એ Nvidia ના એકાધિકારને પડકારવા માટે એક માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. બુધવારે થયેલી જાહેરાત મુજબ, OpenAI એ ચિપમેકર કંપની 'સેરેબ્રાસ' (Cerebras) સાથે $૧૦ બિલિયન (આશરે ૮૩,૦૦૦ કરોડ રૂપિયા) થી વધુનો ઐતિહાસિક સોદો કર્યો છે. આ સોદા હેઠળ સેરેબ્રાસ આગામી ત્રણ વર્ષ સુધી OpenAI ને અતિ-આધુનિક કમ્પ્યુટિંગ પાવર પૂરો પાડશે.
કેમ ખાસ છે આ ભાગીદારી?
OpenAI અત્યારે તેના નવા 'રીઝનિંગ' (તર્ક) મોડેલ્સ પર કામ કરી રહ્યું છે, જે પ્રશ્નનો જવાબ આપતા પહેલા માણસની જેમ 'વિચારે' છે. આ પ્રક્રિયા માટે સામાન્ય ચિપ્સ કરતા ઘણી વધુ તાકાતની જરૂર પડે છે. સેરેબ્રાસની ચિપ્સ પરંપરાગત GPU (ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ) કરતા વધુ કાર્યક્ષમ હોવાનું સાબિત થયું છે. OpenAI એ જણાવ્યું કે, આ સોદાથી તેમના AI ઉત્પાદનોના પ્રતિભાવો (Responses) અત્યંત ઝડપી બનશે અને યુઝર્સને સેકન્ડના ભાગમાં સચોટ જવાબો મળશે.
સેમ ઓલ્ટમેનનું 'ટ્રિલિયન ડોલર' વિઝન
OpenAI ના CEO સેમ ઓલ્ટમેન, જેઓ પોતે સેરેબ્રાસમાં પ્રારંભિક રોકાણકાર છે, તેઓ એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ $૧.૪ ટ્રિલિયન ખર્ચવાનું લક્ષ્ય ધરાવે છે. આ કમ્પ્યુટિંગ પાવર એટલો મોટો હશે કે તેનાથી ૨.૫ કરોડ અમેરિકી ઘરોને વીજળી આપી શકાય. બીજી તરફ, આ ડીલને કારણે સેરેબ્રાસ માટે પણ રસ્તો સાફ થયો છે. કંપની આ વર્ષના બીજા ક્વાર્ટરમાં પોતાનો આઈપીઓ (IPO) લાવવાની તૈયારી કરી રહી છે, જે માર્કેટમાં મોટી હલચલ મચાવી શકે છે.
પરપોટો કે ક્રાંતિ? નિષ્ણાતોમાં ચર્ચા
જ્યારે એક તરફ આ અબજો ડોલરના સોદાથી ટેક જગત ઉત્સાહિત છે, ત્યારે બીજી તરફ કેટલાક નિષ્ણાતો ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે. જે રીતે AI કંપનીઓના મૂલ્યાંકન વધી રહ્યા છે અને અઢળક નાણાં ખર્ચાઈ રહ્યા છે, તે જોઈને ઘણાને વર્ષ ૨૦૦૦ ના 'ડોટકોમ બબલ'ની યાદ આવી રહી છે. જોકે, OpenAI નું માનવું છે કે ૨૦૨૮ સુધીમાં જ્યારે આ આખું નેટવર્ક ઓનલાઈન આવશે, ત્યારે માનવ ઇતિહાસની સૌથી શક્તિશાળી ઇન્ટેલિજન્સ સિસ્ટમ આપણી વચ્ચે હશે.

(6:16 PM IST)