News of Thursday, 15th January 2026
અમદાવાદ પ્લેન ક્રેશ: તપાસનો 'ટાર્ગેટ' કોણ? મૃતક કેપ્ટનના ભત્રીજાને સમન્સ મોકલાતા પાઇલટ્સ એસોસિએશનમાં ભારે રોષ!
AI 171 વિમાન દુર્ઘટનાના સાત મહિના બાદ AAIB ની કાર્યવાહી પર ઉઠ્યા ગંભીર સવાલો : ઘટના સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં કેપ્ટન વરુણ આનંદને તપાસ માટે તેડું આવતા 'પાઇલટ્સ ફેડરેશન' મેદાને પડ્યું અને કાનૂની નોટિસ ફટકારી

અમદાવાદ: ગયા વર્ષે અમદાવાદમાં સર્જાયેલી એર ઇન્ડિયાની કમનસીબ વિમાન દુર્ઘટનાની તપાસમાં હવે નવો અને વિવાદાસ્પદ વળાંક આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ આ અકસ્માતમાં જીવ ગુમાવનારા દિવંગત કેપ્ટન સુમિત સભરવાલના ભત્રીજા, કેપ્ટન વરુણ આનંદને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. 15 જાન્યુઆરી, 2026 ના રોજ હાજર થવા માટે અપાયેલા આ આદેશથી સમગ્ર પાઇલટ સમુદાય સ્તબ્ધ છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (FIP) એ આ પગલાને 'માનસિક ઉત્પીડન' ગણાવીને એજન્સીને કાનૂની નોટિસ ફટકારી છે. પાઇલટ્સ એસોસિએશનનો મુખ્ય સવાલ એ છે કે જે વ્યક્તિનો આ દુર્ઘટના સાથે કોઈ સીધો સંબંધ નથી, તેમને કયા આધારે અને કયા હેતુથી તપાસમાં ખેંચવામાં આવી રહ્યા છે?
આ વિવાદ પાછળ તપાસ એજન્સીની કાર્યપદ્ધતિ સામે આંગળી ચીંધવામાં આવી રહી છે. ફેડરેશનના જણાવ્યા મુજબ, સમન્સમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે કેપ્ટન આનંદને કઈ ક્ષમતામાં બોલાવવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે, ત્યારે તેમના જ સંબંધીને આ રીતે નિશાન બનાવવા તે નૈતિક રીતે પણ ખોટું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાયલોટ્સ એસોસિએશને આક્ષેપ કર્યો છે કે આ કાર્યવાહી માત્ર સ્વર્ગસ્થ કેપ્ટનની છબી ખરાબ કરવા અને તપાસનો રસ્તો ભટકાવવા માટે કરવામાં આવી રહી છે. જોકે, વિવાદો છતાં કેપ્ટન વરુણ આનંદે તપાસમાં સહકાર આપવાની તૈયારી બતાવી છે અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાના નિવેદનો નોંધાવવાની સંમતિ આપી છે.
ઉલ્લેખનીય છે કે 12 જૂન, 2025 ના રોજ બનેલી આ ઘટના ભારતના એવિએશન ઇતિહાસની સૌથી ભયાનક દુર્ઘટનાઓ પૈકીની એક હતી. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ટેક-ઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં જ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 મેઘાણી નગરની એક મેડિકલ હોસ્ટેલ પર તૂટી પડી હતી. આ અકસ્માતમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 265 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આટલી મોટી જાનહાનિમાં માત્ર એકમાત્ર મુસાફર રમેશ વિશ્વાસ કુમાર ચમત્કારિક રીતે બચ્યા હતા. હવે જ્યારે તપાસ અંતિમ તબક્કામાં હોવાનું મનાય છે, ત્યારે પાયલોટના પરિવારજનોને સમન્સ પાઠવવાની આ ઘટનાએ તપાસની પારદર્શિતા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
