News of Thursday, 15th January 2026
BMC ઇલેક્શન એક્ઝિટ પોલ 2026 : મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપ પ્રેરિત ‘મહાયુતિ’ના ભવ્ય વિજયના સંકેત : ઠાકરે જૂથના ગઢમાં ગાબડું
વિવિધ સર્વેક્ષણોમાં મહાયુતિને 138થી વધુ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતીનો અંદાજ : મુંબઈના ઇતિહાસમાં પ્રથમવાર શિવસેનાના એકહથ્થુ શાસનનો અંત લાવી ભાજપ ગઠબંધન સત્તા કબજે કરે તેવી પ્રબળ શક્યતા!

મુંબઈ : મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની તમામ 227 બેઠકો માટે આજે, 15 જાન્યુઆરી 2026ના રોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. મતદાન પૂર્ણ થતાની સાથે જ જાહેર થયેલા વિવિધ એક્ઝિટ પોલના તારણો મુજબ મુંબઈમાં સત્તા પરિવર્તનના મજબૂત સંકેતો મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP), એકનાથ શિંદેની શિવસેના અને RPI ધરાવતું 'મહાયુતિ' ગઠબંધન BMCમાં પ્રચંડ બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જો આ પરિણામો વાસ્તવિકતામાં બદલાશે, તો મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પર પ્રથમ વખત ભાજપ અને તેના સાથી પક્ષોનું નિયંત્રણ આવશે.
વિવિધ એક્ઝિટ પોલના આંકડાકીય તારણો:
CNN-News18 ના JVC એક્ઝિટ પોલ અનુસાર, મહાયુતિને 138 બેઠકો મળવાની ધારણા છે, જે બહુમતીના આંકડાથી ઘણી વધારે છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના ગઠબંધનને માત્ર 59 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. કોંગ્રેસ-VBA ગઠબંધનને 23 બેઠકો અને અન્યને 7 બેઠકો મળવાનો અંદાજ છે.
બીજી તરફ, એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં મહાયુતિને 42 ટકાના જંગી વોટ શેર સાથે 131 થી 151 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. ઠાકરે ભાઈઓની જોડીને 58 થી 68 બેઠકો અને કોંગ્રેસ-VBA ગઠબંધનને 12 થી 16 બેઠકો મળવાની શક્યતા છે. વધુમાં, ABP ન્યૂઝ-DV રિસર્ચના પોલમાં પણ મહાયુતિને 107 થી 122 બેઠકો સાથે વિજયી દર્શાવવામાં આવ્યા છે. આ સર્વેમાં શિવસેના (UBT) અને મનસેને 68 થી 83 બેઠકો તેમજ અજીત પવારની NCPને 2 થી 4 બેઠકો મળવાનું અનુમાન છે.
ચૂંટણીનું ચિત્ર અને ઉમેદવારોની સ્થિતિ:
મુંબઈમાં આ ચૂંટણીમાં ભાજપે 137 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા, જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 90 બેઠકો પર ઝંપલાવ્યું હતું. અજીત પવારની NCP અલગથી 94 બેઠકો પર લડી હતી. વિરોધ પક્ષોમાં શિવસેના (UBT) એ 163, મનસેએ 52, કોંગ્રેસે 143 અને VBA એ 46 બેઠકો પર નસીબ અજમાવ્યું હતું.
મુંબઈમાં લગભગ ચાર વર્ષના લાંબા વિરામ બાદ ચૂંટાયેલી બોડી માટે આ મતદાન યોજાયું છે. વર્ષ 2026ની આ BMC ચૂંટણીમાં આશરે 1700 ઉમેદવારોના ભાવિનો નિર્ણય મુંબઈના 3.48 કરોડ મતદારોએ કર્યો છે. મુંબઈના રાજકારણમાં દાયકાઓથી ઠાકરે પરિવારનો દબદબો રહ્યો છે, ત્યારે આ એક્ઝિટ પોલના પરિણામો ઠાકરે જૂથ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
