<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

'દરેક કર્ણને કુંતીને મળવાનો અધિકાર છે': નાગપુરમાં ત્યજી દેવાયેલું બાળક નેધરલેન્ડમાં મેયર બન્યું : 41 વર્ષે માતાને શોધવા ભારત પરત ફર્યું!

જન્મના માત્ર 3 જ દિવસમાં અનાથાશ્રમમાં છોડી દેવાયેલા ફાલ્ગુન બિન્નેન્ડિજકે સાત સમંદર પાર કરી માતૃત્વની શોધ આદરી: ડચ શહેર હીમસ્ટેડના મેયરની આ સફર જોઈને આંખો ભીની થઈ જશે

નાગપુર: આ વાર્તા કોઈ ફિલ્મી પટકથાથી ઓછી નથી. 10 ફેબ્રુઆરી, 1985ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં એક બાળકનો જન્મ થયો, જેને સામાજિક લોકાપવાદના ડરથી તેની 21 વર્ષની અપરિણીત માતાએ માત્ર ત્રણ જ દિવસમાં અનાથાશ્રમની ઝોળીમાં મૂકી દીધું હતું. આજે 41 વર્ષ બાદ, એ જ બાળક નેધરલેન્ડના સુંદર શહેર હીમસ્ટેડના મેયર બનીને પોતાની જૈવિક માતાને શોધવા ભારતની ધરતી પર પરત ફર્યું છે. ફાલ્ગુન બિન્નેન્ડિજક, જેમને નેધરલેન્ડ લઈ જતા પહેલા નાગપુરના એક અનાથાશ્રમમાં એક નર્સે 'ફાલ્ગુન' નામ આપ્યું હતું, તેઓ આજે સત્તા અને સમૃદ્ધિની વચ્ચે પણ પોતાના મૂળિયાં અને તે સ્ત્રીને શોધવા મથી રહ્યા છે જેણે તેમને જન્મ આપ્યો હતો.

ફાલ્ગુનનો ઉછેર નેધરલેન્ડમાં એક ડચ દંપતી દ્વારા અત્યંત પ્રેમથી કરવામાં આવ્યો, પરંતુ મનમાં હંમેશા એક સવાલ રહ્યો કે તે કોણ છે અને તેની માતા ક્યાં હશે? તેમણે મહાભારતના પાત્ર કર્ણનો દાખલો આપતા કહ્યું કે, "દરેક કર્ણને તેની કુંતીને મળવાનો અધિકાર છે." વર્ષ 2006માં પહેલીવાર ભારતની મુલાકાત લીધા બાદ, હવે મેયર તરીકેની જવાબદારીઓ વચ્ચે પણ તેઓ નાગપુરના એ જ MSS અનાથાશ્રમમાં પહોંચ્યા છે જ્યાંથી તેમની જીવનયાત્રા શરૂ થઈ હતી. તેઓ કોઈ મિલકત કે હક માંગવા નથી આવ્યા, પરંતુ માત્ર પોતાની માતાને એ કહેવા માંગે છે કે, "હું ઠીક છું અને બહુ ખુશ છું, તમે ચિંતા ન કરશો."

આ શોધમાં ફાલ્ગુન અત્યારે અનેક બિન-સરકારી સંસ્થાઓ (NGO), સ્થાનિક મ્યુનિસિપાલિટી અને પોલીસની મદદ લઈ રહ્યા છે. જૂના રેકોર્ડ મુજબ તેમની માતા હવે આશરે 60 વર્ષની વયની હશે. ફાલ્ગુન માને છે કે તેમની માતા કદાચ આજે પણ તેમને છોડવાના આઘાતમાં અથવા અપરાધભાવમાં જીવતી હશે, અને તેઓ તેને એકવાર મળીને તે બોજ હળવો કરવા માંગે છે. એમ્સ્ટરડેમથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલા શહેરનો આ મેયર આજે નાગપુરની ગલીઓમાં એ આશા સાથે ભટકી રહ્યો છે કે કદાચ કોઈ તેને તેના ભૂતકાળ સાથે જોડી આપે.

(7:22 PM IST)