News of Thursday, 15th January 2026
બાંગ્લાદેશ ક્રિકેટમાં 'બળવો': ખેલાડીઓના આક્રોશ સામે બોર્ડ ઝૂક્યું, વિવાદાસ્પદ નિવેદન આપનારા ડિરેક્ટર નઝમુલ ઇસ્લામની હકાલપટ્ટી
ભારતમાં યોજાનારા T20 વર્લ્ડ કપનો વિરોધ અને ખેલાડીઓને "ભારતીય એજન્ટ" કહેવા બદલ થઈ કડક કાર્યવાહી; મેહદી હસન મિરાઝ અને તમીમ ઇકબાલ સહિતના દિગ્ગજોએ બોર્ડ સામે ખોલ્યો હતો મોરચો

ઢાકા : બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) માં આજે મોટો વળાંક આવ્યો છે. રાષ્ટ્રીય ટીમના વરિષ્ઠ ખેલાડીઓના જોરદાર વિરોધ અને બહિષ્કારની ધમકી બાદ બોર્ડે તેના ડિરેક્ટર અને નાણાકીય સમિતિના અધ્યક્ષ નઝમુલ ઇસ્લામને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી બરતરફ કરી દીધા છે. નઝમુલ ઇસ્લામે ખેલાડીઓના સન્માન અને મહેનતાણા અંગે અત્યંત અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેણે દેશના ક્રિકેટ જગતમાં હોબાળો મચાવ્યો હતો.
શું હતો સમગ્ર વિવાદ?
વાસ્તવમાં, નઝમુલ ઇસ્લામે વર્ષ ૨૦૨૬માં ભારતમાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ટીમને ન મોકલવાનો રાગ આલાપ્યો હતો. એટલું જ નહીં, તેમણે એવું નિવેદન આપ્યું હતું કે ખેલાડીઓ અત્યાર સુધી કોઈ મોટી ICC ટૂર્નામેન્ટ જીત્યા નથી, તેથી તેઓ કોઈ ખાસ મહેનતાણા કે આર્થિક સમર્થનને લાયક નથી. આ નિવેદન બાદ બાંગ્લાદેશના વનડે કેપ્ટન મેહદી હસન મિરાઝ અને ભૂતપૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલે બોર્ડના આ વલણની આકરી ટીકા કરી હતી.
તમીમ ઇકબાલને કહ્યા "ભારતના એજન્ટ"
વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે તમીમ ઇકબાલે ભારત સાથેના ક્રિકેટ સંબંધો સુધારવાની સલાહ આપી, જેના જવાબમાં નઝમુલે તેમને "ભારતના એજન્ટ" ગણાવ્યા હતા. આ બાબતને ખેલાડીઓના સંગઠન (CWAB) એ ગંભીરતાથી લીધી અને નઝમુલની હકાલપટ્ટીની માંગ કરી. ચારેબાજુથી દબાણ આવતા BCB પ્રમુખે પોતે નાણાકીય સમિતિનો કાર્યભાર સંભાળી લીધો છે અને નઝમુલને ૪૮ કલાકમાં લેખિત જવાબ આપવા કારણદર્શક નોટિસ ફટકારી છે.
બોર્ડે માફી માંગી અને ખેલાડીઓને પક્ષમાં લીધા
BCB એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, "બોર્ડ તેના સભ્ય દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓ બદલ અફસોસ વ્યક્ત કરે છે. અમારા માટે ખેલાડીઓનું સન્માન અને ગરિમા સર્વોપરી છે." આ કાર્યવાહી બાદ બાંગ્લાદેશી ક્રિકેટરોમાં થોડી રાહત જોવા મળી છે, પરંતુ ભારત સામે રમવા કે ન રમવા અંગેનો ગૂંચવાયેલો મુદ્દો હજુ પણ બાંગ્લાદેશ ક્રિકેટ માટે માથાનો દુખાવો બનેલો છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
