<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ગિગ વર્કર્સના સંઘર્ષની જીત: ૧૦ મિનિટની જીવલેણ ડિલિવરી પર કેન્દ્ર સરકારનો પ્રતિબંધ, AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું- 'કોણ કહે છે કે આકાશમાં છિદ્ર ન હોઈ શકે!'

રાઘવ ચઢ્ઢાએ પોતે ડિલિવરી બોય બનીને રાઇડર્સનું દર્દ સમજ્યું હતું; કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની કંપનીઓ સાથેની બેઠક બાદ લેવાયો મોટો નિર્ણય, બ્લિંકિટ અને ઝેપ્ટો જેવી કંપનીઓએ હટાવ્યા દાવા

નવી દિલ્હી:દેશમાં છેલ્લા કેટલાક સમયથી ક્વિક કોમર્સ કંપનીઓ વચ્ચે ચાલી રહેલી '૧૦ મિનિટમાં ડિલિવરી'ની સ્પર્ધા પર આખરે કેન્દ્ર સરકારે રોક લગાવી દીધી છે. આ નિર્ણયથી લાખો ડિલિવરી રાઇડર્સના જીવ જોખમાતા અટકશે. આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ સાંસદ રાઘવ ચઢ્ઢાએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને તેને ગિગ વર્કર્સના લાંબા સંઘર્ષનો વિજય ગણાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર કવિ દુષ્યંત કુમારની પંક્તિઓ ટાંકીને ખુશી વ્યક્ત કરી હતી.
 નોંધનીય છે કે રાઘવ ચઢ્ઢાએ માત્ર સંસદમાં જ નહીં, પરંતુ જમીની સ્તરે ઉતરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો. તાજેતરમાં જ તેમણે આખો દિવસ એક ડિલિવરી રાઇડર સાથે વિતાવ્યો હતો, જેથી તેઓ સમજી શકે કે ૧૦ મિનિટની ડેડલાઇન પૂરી કરવામાં રાઇડર્સને કેટલા ટ્રાફિક અને જોખમનો સામનો કરવો પડે છે. આ નિર્ણય બાદ તેમણે ગિગ વર્કર્સને મળીને તેમને અભિનંદન પાઠવ્યા હતા અને સરકારનો પણ આભાર માન્યો હતો.
 કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખભાઈ  માંડવિયાએ ગત મંગળવારે બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટો જેવી જાયન્ટ કંપનીઓના અધિકારીઓ સાથે હાઈ-લેવલ બેઠક યોજી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કર્મચારીઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન ન કરી શકાય. સરકારની સૂચના બાદ તમામ કંપનીઓએ સોશિયલ મીડિયા અને જાહેરાતોમાંથી '૧૦ મિનિટ'ના દાવાઓ હટાવવાની ખાતરી આપી છે. બ્લિંકિટે તો તેના પ્લેટફોર્મ પરથી આ દાવો હટાવી પણ લીધો છે.
 આ નિર્ણયથી ડિલિવરી રાઇડર્સને ટ્રાફિકના નિયમો તોડવા અને જીવના જોખમે વાહન ચલાવવાની મજબૂરીમાંથી મુક્તિ મળશે. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે, "આ કોઈ એક સાંસદના ભાષણનો વિજય નથી, પરંતુ દેશના એ લાખો મહેનતુ લોકોના સંઘર્ષનો વિજય છે જેઓ તડકા-વરસાદમાં આપણા ઘર સુધી સામાન પહોંચાડે છે." હવે દેશમાં ગિગ ઇકોનોમી અને કામદારોના અધિકારો પર એક સકારાત્મક ચર્ચા શરૂ થઈ છે

(8:50 PM IST)