<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

કેરળ જનારા પ્રવાસીઓ સાવધાન! આ સુંદર પ્રવાસન સ્થળે ૪ દિવસ સુધી નહીં મળે 'છલોછલ જામ', દારૂની દુકાનો અને બાર પર કલેક્ટરે લગાવી સજ્જડ પાબંધી

અર્થુંગલ ફેસ્ટિવલને પગલે સુરક્ષાના કારણોસર લેવાયો મોટો નિર્ણય; ૧૯, ૨૦, ૨૭ અને ૨૮ જાન્યુઆરીએ બીયર પાર્લર અને તાડીની દુકાનો પણ રહેશે બંધ, પ્રવાસનું પ્લાનિંગ કરતા પહેલા લિસ્ટ ચેક કરી લેજો

અલાપ્પુઝા : દક્ષિણ ભારતનું સ્વર્ગ ગણાતા કેરળ રાજ્યના અલાપ્પુઝા જિલ્લામાં જાન્યુઆરી મહિનામાં સતત ચાર દિવસ સુધી દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ આદેશ જારી કર્યો છે. જો તમે આ દરમિયાન હાઉસબોટ કે દરિયા કિનારે પાર્ટી કરવાનું વિચારી રહ્યા હોવ, તો તમારે તમારી યોજનામાં ફેરફાર કરવો પડી શકે છે.
 અલાપ્પુઝાના પ્રસિદ્ધ 'સેન્ટ એન્ડ્ર્યુ બેસિલિકા' ખાતે ભવ્ય ઉત્સવનું આયોજન થવાનું છે. આ મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, મહિલાઓ અને બાળકો ઉમટી પડતા હોય છે. ભીડમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નશામાં ધૂત થઈને કોઈ વ્યક્તિ સમુદ્રમાં ઉતરી અકસ્માતનો શિકાર ન બને તે હેતુથી પ્રશાસને ૧૯, ૨૦, ૨૭ અને ૨૮ જાન્યુઆરીના રોજ 'ડ્રાય ડે' જાહેર કર્યો છે.
કલેક્ટરના આદેશ મુજબ, ચેરથલા એક્સાઈઝ ઝોન હેઠળ આવતી તમામ દારૂની દુકાનો, બીયર પાર્લર, બાર અને તાડીની દુકાનો બંધ રહેશે. જેમાં અરીપરમ્બા, અર્થુંગલ, તિરુવિઝા, ચંપક્કડ અને અજીરમ થાઈ જેવા વિસ્તારોની તમામ લાઇસન્સ ધરાવતી દુકાનોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેથી ગેરકાયદેસર વેચાણ અટકાવી શકાય.
 કેરળમાં BEVCO (સરકારી દારૂની દુકાનો) પણ ચોક્કસ રજાઓ દરમિયાન બંધ રહેતી હોય છે. જાન્યુઆરીમાં આ ચાર દિવસો ઉપરાંત ડ્રાય ડેની યાદી લાંબી હોવાથી, પ્રવાસીઓને વિનંતી છે કે તેઓ પોતાનું ટ્રિપ શિડ્યુલ આ તારીખોને ધ્યાનમાં રાખીને જ બનાવે. પ્રશાસનનો હેતુ ઉત્સવને શાંતિપૂર્ણ અને સુરક્ષિત બનાવવાનો છે, જેથી શ્રદ્ધાળુઓ કોઈ પણ ડર વગર ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ શકે.

(8:53 PM IST)