તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Thursday, 15th January 2026
પ્રયાગરાજમાં આસ્થાનું મહાકુંભ: મકર સંક્રાંતિએ સંગમ તટે ૭૨ લાખ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડુબકી, આંકડો ૧ કરોડને પાર જવાની શક્યતા
માઘ મેળામાં મધ્યરાત્રિથી જ શરૂ થયું પુણ્યનું સ્નાન; ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ પર ભક્તિનો અનોખો સંગમ, સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વ પ્રસિદ્ધ 'માઘ મેળા'માં આજે મકર સંક્રાંતિના પવિત્ર અવસરે શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું. મેળા પ્રશાસનના જણાવ્યા અનુસાર, આજે ગુરુવારે બપોરે ૨ વાગ્યા સુધીમાં જ અંદાજે ૭૨ લાખ લોકોએ ગંગા અને સંગમમાં પવિત્ર સ્નાન કરીને પુણ્ય કમાવ્યું હતું. ઠંડી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઉણપ જોવા મળી નહોતી અને ચારે બાજુ 'હર હર ગંગે' ના નાદ ગુંજી રહ્યા હતા.
મેળા પ્રશાસનના અધિકારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સંક્રાંતિનું સ્નાન ગઈકાલે રાત્રે ૧૨ વાગ્યાથી જ શરૂ થઈ ગયું હતું. લોકો મોડી રાતથી જ સંગમ તટે પહોંચવા લાગ્યા હતા. જ્યોતિષીઓના મતે આજે આખો દિવસ મકર સંક્રાંતિનું મુહૂર્ત હોવાથી સાંજ સુધીમાં સ્નાન કરનારા શ્રદ્ધાળુઓની કુલ સંખ્યા એક કરોડના આંકડાને પણ વટાવી જાય તેવી પ્રબળ શક્યતા છે.
આટલી વિશાળ જનમેદનીને જોતા યુપી પોલીસ અને મેળા પ્રશાસન દ્વારા સુરક્ષાની લોખંડી વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા માટે વિવિધ ઘાટ પર સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી, મેડિકલ કેમ્પ અને રહેવા માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા સતત એનાઉન્સમેન્ટ કરીને લોકોને સાવચેત રહેવા અને નિયમોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી રહી છે.
આજે સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ દ્વારા દાન-પુણ્ય કરવાની પરંપરા પણ નિભાવવામાં આવી હતી. ખીચડી, તલ અને વસ્ત્રોનું દાન કરીને લોકોએ આ પવિત્ર દિવસની ઉજવણી કરી હતી. સંગમના કાંઠે સાધુ-સંતોના પ્રવચનો અને ભજન-કીર્તનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ ખૂણેથી લોકો આ પવિત્ર પર્વમાં સહભાગી થવા પ્રયાગરાજ પહોંચ્યા છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
