News of Thursday, 15th January 2026
સાઉદી અરેબિયાના રણમાં ફૂટ્યો 'સોનાનો ફુવારો': ૨૨૧ ટન સોનાનો વિરાટ ભંડાર મળતા દુનિયા આશ્ચર્યચકિત, તેલ બાદ હવે 'ગોલ્ડ'થી સમૃદ્ધ બનશે આ દેશ
માદેન કંપનીના ડ્રિલિંગમાં ૭.૮ મિલિયન ઔંસ સોનું મળ્યું; મન્સૂરાહ મસારાહ સહિત ૪ વિસ્તારોમાં છુપાયેલો હતો કિંમતી ખજાનો, વિઝન ૨૦૩૦ હેઠળ સાઉદી અરેબિયાનું અર્થતંત્ર હવે નવી ઊંચાઈઓ સર કરશે

રિયાધ:સાઉદી અરેબિયાના વિશાળ રણમાંથી એક એવો ખજાનો મળી આવ્યો છે જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. સાઉદી અરેબિયાની સરકારી માલિકીની માઇનિંગ કંપની 'માદેન' (Ma'aden) એ જાહેરાત કરી છે કે તાજેતરના ડ્રિલિંગ અને સંશોધન દરમિયાન દેશમાં આશરે ૨૨૧ ટન (૭.૮ મિલિયન ઔંસ) સોનાનો ભંડાર મળી આવ્યો છે. આ શોધ સાઉદી અરેબિયાના ઈતિહાસમાં સૌથી મોટી ખનિજ શોધોમાંની એક માનવામાં આવી રહી છે.
કંપનીના અહેવાલ મુજબ, આ સોનું મુખ્યત્વે ચાર અલગ-અલગ વિસ્તારોમાં વહેંચાયેલું છે: મન્સૂરાહ મસારાહ, ઉરુક ૨૦/૨૧, ઉમ્મ અસ સલામ અને વાડી અલ જાવ. આ તમામ સ્થળો પૈકી 'વાડી અલ જાવ' માં સૌથી મોટો ભંડાર હોવાની શક્યતા છે. નિષ્ણાતોનું કહેવું છે કે સાઉદી અરેબિયાનો 'અરેબિયન શીલ્ડ' ગણાતો પ્રદેશ માત્ર સોનાથી જ નહીં પરંતુ તાંબુ, નિકલ અને ઝીંક જેવા અન્ય કિંમતી ખનિજોથી પણ ભરપૂર છે.
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના 'વિઝન ૨૦૩૦' હેઠળ આ શોધ અત્યંત મહત્વની છે. સાઉદી અરેબિયા અત્યાર સુધી માત્ર તેલ પર નિર્ભર હતું, પરંતુ હવે ખાણકામ (માઇનિંગ) ક્ષેત્રને પ્રોત્સાહન આપીને અર્થતંત્રને વૈવિધ્યસભર બનાવવાની તૈયારી છે. આ નવી શોધથી દેશના જીડીપીમાં વધારો થશે અને વિદેશી રોકાણકારો માટે નવા દ્વાર ખુલશે.
સોનાના આટલા મોટા ભંડારને બહાર કાઢવા માટે સાઉદી અરેબિયા અત્યાધુનિક ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરશે. આનાથી સ્થાનિક યુવાનો માટે હજારોની સંખ્યામાં રોજગારીની તકો ઊભી થશે. આસપાસના ગામડાં અને શહેરોમાં રસ્તાઓ અને અન્ય સુવિધાઓનો વિકાસ થશે. સોનાની સાથે અન્ય ખનિજો પણ મળી આવતા સાઉદી અરેબિયા આગામી સમયમાં વિશ્વનું માઇનિંગ હબ બની શકે છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
