<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

પાકિસ્તાનને 'કડવી ગોળી': અફઘાનિસ્તાનમાં ભારતીય દવાઓનો જાદુ ચાલ્યો, પાકિસ્તાની ફાર્મા માર્કેટના વળતા પાણી

ભારતીય દવાઓ 4 ગણી સસ્તી અને વધુ અસરકારક સાબિત થતા અફઘાનીઓએ પાકિસ્તાની બ્રાન્ડ્સને તિલાંજલિ આપી, તાલિબાન શાસનમાં ભારતની 'મેડિકલ ડિપ્લોમસી' હિટ

કાબુલ, તા. ૧૬ : દુનિયામાં જ્યારે 'સોફ્ટ પાવર'ની વાત આવે છે, ત્યારે ભારતની દવાઓ અત્યારે પાકિસ્તાન માટે 'કડવી ગોળી' સાબિત થઈ રહી છે. અફઘાનિસ્તાનના બજારમાં ક્યારેક ૭૦% હિસ્સો ધરાવતી પાકિસ્તાની દવાઓ હવે હાંસિયામાં ધકેલાઈ રહી છે અને તેનું સ્થાન ઝડપથી 'મેડ ઈન ઈન્ડિયા' દવાઓ લઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક અફઘાન વ્લોગરનો અનુભવ અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે કેવી રીતે ભારતીય પેરાસિટામોલ પાકિસ્તાની કે તુર્કીની દવાઓ કરતા અનેકગણી સસ્તી અને અસરકારક છે.
સસ્તી અને સચોટ: ભારતીય દવાઓનો દબદબો
X (અગાઉનું ટ્વિટર) પર ફઝલ અફઘાન નામના બ્લોગરે પોતાનો કિસ્સો શેર કરતા લખ્યું કે, જ્યારે તેઓ માથાના દુખાવા માટે દવા લેવા ગયા ત્યારે ફાર્માસિસ્ટએ તેમને પાકિસ્તાની દવાને બદલે ભારતીય દવા લેવાની સલાહ આપી. આશ્ચર્યની વાત એ હતી કે જે દવાની કિંમત ૪૦ અફઘાની હતી, તેવી જ ભારતીય દવા માત્ર ૧૦ અફઘાનીમાં મળી અને પરિણામ પણ ઝડપી આવ્યું. આ એક નાનકડી ઘટના અફઘાનિસ્તાનમાં બદલાતા મોટા ચિત્રનો સંકેત છે.
પાકિસ્તાની આયાત પર પ્રતિબંધ અને ભારતની મદદ
તાલિબાન શાસન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો વધતા, અફઘાનિસ્તાનના નાયબ વડાપ્રધાન અબ્દુલ ગની બરાદરે પાકિસ્તાની દવાઓની નબળી ગુણવત્તાને કારણે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સંકટ સમયે ભારત 'સંકટના સાથી' તરીકે ઉભરી આવ્યું છે. ભારતે અત્યાર સુધીમાં ૭૩ ટનથી વધુ જીવનરક્ષક દવાઓ, રસીઓ અને એમ્બ્યુલન્સની સહાય મોકલી છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતની ફાર્મા નિકાસ $૧૦૮ મિલિયનને વટાવી ગઈ છે.
ઝાયડસ જેવી ભારતીય કંપનીઓનો માસ્ટરપ્લાન
ભારતીય ફાર્મા જાયન્ટ 'ઝાયડસ લાઇફસાયન્સ' (Zydus Lifesciences) એ અફઘાનિસ્તાનના રોફીના ગ્રુપ સાથે $૧૦૦ મિલિયનના એમઓયુ કર્યા છે. ભારત હવે માત્ર દવાઓ મોકલશે જ નહીં, પરંતુ અફઘાનિસ્તાનમાં દવાઓના ઉત્પાદન માટે ટેકનોલોજી ટ્રાન્સફર અને પ્લાન્ટ સ્થાપવામાં પણ મદદ કરશે. કાબુલની પ્રખ્યાત ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન્સ હોસ્પિટલ બાદ હવે ભારત ત્યાં કેન્સર અને ટ્રોમા સેન્ટર જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉભી કરી રહ્યું છે. આમ, અફઘાનિસ્તાનમાં હવે પાકિસ્તાની પ્રભાવ ઓસરી રહ્યો છે અને ભારતીય ભરોસો વધી રહ્યો છે.

(4:39 PM IST)