હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

ચેન્નાઈ, તા. ૧૬ : દક્ષિણ ભારતના રાજકારણમાં આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ને લઈને અત્યારથી જ પલિતો ચંપાયો છે. તમિલનાડુમાં સત્તારૂઢ DMK સાથેના ગઠબંધનમાં 'મોટા ભાઈ' બનવાની ઈચ્છા ધરાવતી કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં છે. શનિવારે સાંજે નવી દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે કોંગ્રેસ હાઈકમાન્ડ તમિલનાડુના વરિષ્ઠ નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજશે, જેમાં બેઠકોની વહેંચણી અને ચૂંટણી પછી સરકારમાં ભાગીદારી (Power Sharing) અંગે મંથન કરવામાં આવશે.
મંત્રીપદ માટે કોંગ્રેસનો દાવો
કોંગ્રેસના નેતાઓનો એક વર્ગ હવે એમ.કે. સ્ટાલિનના નેતૃત્વવાળી સરકારમાં માત્ર સમર્થન આપીને સંતોષ માનવા તૈયાર નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસ આગામી ચૂંટણી બાદ ગઠબંધન સરકારમાં ૬ મંત્રીપદ માટે દબાણ લાવવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી તમિલનાડુમાં દ્રવિડિયન પક્ષો (DMK અને AIADMK) સત્તા વહેંચણીના વિચારથી દૂર રહ્યા છે, પરંતુ બદલાતા સંજોગોમાં કોંગ્રેસ આ વખતે સખત સોદાબાજી કરવાના મૂડમાં છે.
સુપરસ્ટાર વિજયની એન્ટ્રી અને નવો પડકાર
તમિલનાડુના રાજકારણમાં લોકપ્રિય અભિનેતા વિજયે પોતાની પાર્ટી TVK સાથે એન્ટ્રી કરી છે, જેણે જૂના ગઠબંધનો માટે ખતરો ઉભો કર્યો છે. કોંગ્રેસના નેતાઓ માને છે કે જો તેઓ DMK પર દબાણ નહીં લાવે તો પાયાના સ્તરે કાર્યકરોમાં નારાજગી વધી શકે છે. જોકે, મોટાભાગના નેતાઓ ૨૦ વર્ષ જૂના ગઠબંધનને તોડવાની તરફેણમાં નથી, પરંતુ તેઓ વધુ બેઠકો અને વહીવટમાં યોગ્ય ભાગીદારી ઈચ્છે છે.
DMK નું કડક વલણ
બીજી તરફ, DMK એ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે 'સત્તાની વહેંચણી' શક્ય નથી. તેમણે ૧૯૮૦ની ચૂંટણીની નિષ્ફળતાનું ઉદાહરણ આપીને જણાવ્યું કે રાજ્યમાં ગઠબંધન સરકારનો પ્રયોગ સફળ રહ્યો નથી. DMK નું કહેવું છે કે કોંગ્રેસને વધુ બેઠકો આપવાથી હારવાનું જોખમ વધી જાય છે, તેથી તેઓ માત્ર જીતવાની ક્ષમતા ધરાવતી બેઠકો પર જ ચર્ચા કરવા તૈયાર છે. આવતીકાલની બેઠક બાદ તમિલનાડુમાં ગઠબંધનનું ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવના છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM