<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

મુંબઈમાં 'ગઢ આલા પણ સિંહ નહીં...': ૨૫ વર્ષ જૂના શિવસેનાના શાસનનો અંત, BMC માં ભવ્ય જીત બાદ દેવેન્દ્ર ફડણવીસનું વિજયી સ્વાગત

"મહારાષ્ટ્રને પીએમ મોદીના વિઝન પર અતૂટ વિશ્વાસ છે" - વિજય ઉત્સવમાં મુખ્યમંત્રીની ગર્જના; ભાજપ ગઠબંધને ૨૯ માંથી ૨૫ પાલિકાઓમાં વિપક્ષનો સફાયો કર્યો, મુંબઈમાં હવે પ્રથમવાર ભાજપનો મેયર બનશે

મુંબઈ:મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના ૨૦૨૬ ના ચૂંટણી પરિણામોએ મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. છેલ્લા અઢી દાયકાથી BMC પર એકચક્રી શાસન ભોગવતી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ગઢને આખરે ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાના ગઠબંધને ધ્વસ્ત કરી નાખ્યો છે. આ ઐતિહાસિક વિજય બાદ મુંબઈ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું ઢોલ-નગારા અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિજયી મંચ પરથી કાર્યકરોને સંબોધતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના વિઝનને આપ્યો હતો. તેમણે ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, "આ ચૂંટણીમાં મળેલ રેકોર્ડબ્રેક જનાદેશ એ વાતની સાબિતી છે કે મહારાષ્ટ્રની જનતાને પીએમ મોદીમાં અતૂટ વિશ્વાસ છે. અમે નકારાત્મકતા નહીં પણ વિકાસના મુદ્દે આ જંગ લડ્યા હતા અને જનતાએ તેના પર મહોર લગાવી છે." આ જીત સાથે મુંબઈના ઈતિહાસમાં પ્રથમવાર ભાજપ પોતાનો મેયર બનાવવાની સ્થિતિમાં આવી ગયું છે.
 માત્ર મુંબઈ જ નહીં, પરંતુ રાજ્યની ૨૯ માંથી ૨૫ થી વધુ મહાનગરપાલિકાઓમાં ભાજપ ગઠબંધન (મહાયુતિ) એ વિરોધ પક્ષોના સુપડા સાફ કરી નાખ્યા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ અંગે કટાક્ષ કરતા કહ્યું કે, "મહારાષ્ટ્ર વિકાસ આઘાડીને માત્ર ૭-૮% બેઠકો પર લીડ મળી છે, જે દર્શાવે છે કે જનતાએ તેમના નકારાત્મક રાજકારણને નકારી કાઢ્યું છે." ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ પણ આ જીતને વડાપ્રધાન મોદી અને સીએમ ફડણવીસના આશીર્વાદ ગણાવ્યા હતા.
 પરિણામો સ્પષ્ટ થતાની સાથે જ મુંબઈ ભાજપ કાર્યાલય ખાતે કેસરીયો માહોલ છવાઈ ગયો હતો. પંકજા મુંડે સહિતના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે લોકોની આંખો સમક્ષ દેખાતા વિકાસના કાર્યોને કારણે જ આટલી મોટી સફળતા મળી છે. શિવસેનાના ૨૫ વર્ષ જૂના કિલ્લામાં પડેલું આ ગાબડું આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે.

(8:57 PM IST)