<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

સૂર્યકુમાર યાદવનું નામ લેવું અભિનેત્રી ખુશી મુખર્જીને ભારે પડ્યું: ૧૦૦ કરોડનો માનહાનિનો કેસ અને જેલની સજાની માંગ, ક્રિકેટ પ્રેમીઓમાં ભારે રોષ

"SKY મને મેસેજ કરતો હતો" - અભિનેત્રીના આ એક નિવેદને મચાવી ધૂમ; સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અન્સારીએ કાયદાકીય લડત છેડી, ગાઝીપુરમાં FIR નોંધવા કરી રજૂઆત

મુંબઈ : ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ (SKY) પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી હવે અભિનેત્રી ખુશી મુખર્જી માટે મુસીબતનું કારણ બની છે. એક ઈવેન્ટમાં પાપારાઝી સાથેની વાતચીત દરમિયાન ખુશીએ દાવો કર્યો હતો કે સૂર્યકુમાર યાદવ તેને મેસેજ કરતો હતો. આ નિવેદન બાદ હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અન્સારીએ અભિનેત્રી વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આરોપ
ફૈઝાન અન્સારીએ ગાઝીપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ખુશી મુખર્જીના આ દાવા તદ્દન ખોટા અને બદનક્ષીભર્યા છે. અન્સારીના મતે, એક આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીની છબી ખરડવા માટે આ પ્રકારના નિવેદનો જાણીજોઈને કરવામાં આવ્યા છે. તેમણે માત્ર ૧૦૦ કરોડનો દાવો જ નથી કર્યો, પરંતુ અભિનેત્રીને ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજા થાય તેવી પણ માંગ કરી છે. અન્સારીએ મક્કમતાથી કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આ લડત ચાલુ રાખશે.
કેવી રીતે શરૂ થયો આ વિવાદ?
વાત જાણે એમ છે કે, એક જાહેર કાર્યક્રમમાં જ્યારે ખુશીને ક્રિકેટરોને ડેટ કરવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું હતું કે તેને કોઈ ક્રિકેટરમાં રસ નથી. તેણે ઉમેર્યું કે, "સૂર્યકુમાર યાદવ પહેલા મને મેસેજ કરતો હતો, પણ હવે અમે વાત નથી કરતા અને હું નથી ઈચ્છતી કે મારું નામ તેની સાથે જોડાય." આ નિવેદન સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયું અને સૂર્યકુમારના ચાહકોએ અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.
અભિનેત્રીની સ્પષ્ટતા અને પલટવાર
વિવાદ વધતા જોઈ ખુશી મુખર્જીએ પોતાનો બચાવ કરતા કહ્યું કે તેના શબ્દોની ગેરસમજ કરવામાં આવી છે. તેણે સ્પષ્ટતા કરી કે સૂર્યકુમાર સાથે તેનો કોઈ પ્રેમ સંબંધ નહોતો, તેઓ માત્ર મિત્ર તરીકે વાત કરતા હતા. વધુમાં તેણે દાવો કર્યો કે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હતું. જોકે, ફૈઝાન અન્સારી આ દલીલો માનવા તૈયાર નથી અને કેસ નોંધવા પર મક્કમ છે. હવે આ મામલે પોલીસ તપાસ અને કોર્ટની કાર્યવાહી શું વળાંક લે છે તેના પર સૌની નજર છે.

(9:59 PM IST)