<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

શું હવે અવકાશમાં બનશે AI ના ડેટા સેન્ટર્સ? ગૂગલનો 'પ્રોજેક્ટ સનકેચર': પૃથ્વી પર વીજળીના વપરાશને ઘટાડવા ડેટા ક્લાઉડને ખરેખર 'વાદળોની પાર' લઈ જવાની તૈયારી

AI મોડેલ્સની અકલ્પનીય ઉર્જા માંગ સામે હવે સૂર્યપ્રકાશ બનશે હથિયાર; પૃથ્વીની ભ્રમણકક્ષામાં સૌર ઉર્જાથી ચાલતા સુપરકોમ્પ્યુટર્સ સ્થાપવા ગૂગલ અને ઈસરોનું સંશોધન તેજ

બેંગલુરુ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના યુગમાં ડેટા સેન્ટર્સ અત્યારે પૃથ્વી પરની સૌથી વધુ વીજળી અને પાણી વાપરતી સુવિધાઓ બની ગયા છે. એક અંદાજ મુજબ ૨૦૩૦ સુધીમાં આ ક્ષેત્રમાં ૩ ટ્રિલિયન ડોલરનું રોકાણ થશે, જે પર્યાવરણ માટે મોટો પડકાર છે. આ સમસ્યાના ઉકેલ માટે ગૂગલ રિસર્ચ (Google Research) હવે એક એવી સંભાવના પર કામ કરી રહ્યું છે જે સાંભળવામાં વિજ્ઞાન કથા જેવી લાગે છે – ડેટા સેન્ટર્સને અવકાશમાં લોન્ચ કરવા!
શા માટે અંતરિક્ષ જ પસંદ કરાયું?
પૃથ્વી પર AI મોડેલ્સને ટ્રેન કરવા માટે હજારો GPUs (ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ) ને સતત વીજળી આપવી પડે છે. જો આ સેન્ટર્સ પૃથ્વીની નીચી ભ્રમણકક્ષા (LEO) માં હોય, તો તેમને વાતાવરણના અવરોધ વિના સીધો અને પ્રચંડ સૂર્યપ્રકાશ મળે, જે તેમને સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચલાવી શકે. ગૂગલનો 'પ્રોજેક્ટ સનકેચર' એવા ઉપગ્રહોના સમૂહની કલ્પના કરે છે જે એકબીજાથી થોડાક જ કિલોમીટર દૂર રહીને સુપરફાસ્ટ સ્પીડથી ડેટા ટ્રાન્સફર કરી શકે.
ટેકનિકલ પડકારો અને 'રેડિયેશન'નો ભય
અવકાશમાં સૌથી મોટો ખતરો સૂર્યના કિરણોત્સર્ગ (Radiation) નો છે. જોકે, ગૂગલના તાજેતરના પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે તેમના 'ટ્રિલિયમ TPUs' (AI ચિપ્સ) અવકાશના કઠોર વાતાવરણમાં ધારણા કરતા ત્રણ ગણી વધુ મજબૂત સાબિત થઈ છે. બીજો મોટો પડકાર 'થર્મલ મેનેજમેન્ટ' એટલે કે ગરમીનો નિકાલ કરવાનો છે. પૃથ્વી પર પાણીથી કુલિંગ થઈ શકે છે, પરંતુ અંતરિક્ષમાં સૂર્યની સીધી ગરમી વચ્ચે ચિપ્સને ઠંડી રાખવી એ એન્જિનિયરો માટે મોટી કસોટી હશે.
ભારતની 'ઈસરો' પણ રેસમાં
માત્ર ગૂગલ જ નહીં, ભારતની સ્પેસ એજન્સી ઈસરો (ISRO) પણ અવકાશ આધારિત ડેટા સેન્ટર ટેકનોલોજીનો અભ્યાસ કરી રહી છે. નિષ્ણાતોના મતે ૨૦૩૦ સુધીમાં સ્પેસ લોન્ચિંગનો ખર્ચ ઘટીને ૨૦૦ ડોલર પ્રતિ કિલોગ્રામ થઈ જવાની શક્યતા છે, જે આ પ્રોજેક્ટને આર્થિક રીતે સધ્ધર બનાવી શકે છે. જોકે, માઈક્રોસોફ્ટ જેવા દિગ્ગજોએ અગાઉ દરિયાની નીચે ડેટા સેન્ટર મૂકવાનો પ્રયોગ છોડી દીધો હતો, ત્યારે જોવાનું એ રહે છે કે આકાશમાં આ 'ડેટાના વાદળો' કેટલા સફળ રહે છે.

(9:51 PM IST)