આકાશમાં હવે એર ઇન્ડિયા અને સિંગાપોર એરલાઇન્સની 'જૂગલબંધી': મુસાફરો માટે ખુલશે સુવિધાઓના નવા દ્વાર, ભારત-સિંગાપોર વચ્ચે કનેક્ટિવિટી થશે વધુ મજબૂત
બંને દિગ્ગજ એરલાઇન્સ વચ્ચે સંયુક્ત બિઝનેસ કરાર પર હસ્તાક્ષર; હવે એક જ ટિકિટ પર બંને એરલાઇન્સમાં કરી શકાશે મુસાફરી, મહારાજા ક્લબ અને ક્રિસફ્લાયર સભ્યોને મળશે ડબલ ફાયદો

મુંબઈ : ભારતીય આકાશમાં ટાટા ગ્રુપની એર ઇન્ડિયા અને વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન્સમાં ગણાતી સિંગાપોર એરલાઇન્સ (SIA) હવે હાથ મિલાવીને એક નવી ઉંચાઈ સર કરવા જઈ રહી છે. આજે મુંબઈમાં બંને એરલાઇન્સ વચ્ચે 'કોમર્શિયલ કોઓપરેશન ફ્રેમવર્ક એગ્રીમેન્ટ' પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારનો મુખ્ય હેતુ ભારત અને સિંગાપોર વચ્ચેની હવાઈ મુસાફરીને વધુ સરળ, સસ્તી અને સુવિધાજનક બનાવવાનો છે.
મુસાફરોને શું ફાયદો થશે?
આ ભાગીદારીના પરિણામે હવે મુસાફરો એક જ ઇન્ટિગ્રેટેડ ટિકિટ હેઠળ બંને એરલાઇન્સની ફ્લાઇટ્સ બુક કરી શકશે. એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સન અને સિંગાપોર એરલાઇન્સના CEO ગોહ ચુન ફોંગે આ કરારને ઐતિહાસિક ગણાવ્યો છે. હવે બંને એરલાઇન્સ પોતાના ફ્લાઇટ શેડ્યૂલનું સંકલન કરશે, જેથી કનેક્ટિંગ ફ્લાઇટ પકડવી મુસાફરો માટે વધુ સરળ બનશે. આ ઉપરાંત, એર ઇન્ડિયાના 'મહારાજા ક્લબ' અને સિંગાપોર એરલાઇન્સના 'ક્રિસફ્લાયર' મેમ્બર્સને હવે વધારાના પ્રીમિયમ બેનિફિટ્સ અને પોઈન્ટ્સનો લાભ મળશે.
વૈશ્વિક બજારમાં પકડ મજબૂત થશે
હાલમાં બંને એરલાઇન્સ ૨૦ દેશોમાં ૬૧ સ્થળો પર કોડશેર ભાગીદારી ધરાવે છે. ઓક્ટોબર ૨૦૨૪માં આ ભાગીદારીમાં ૫૧ નવા રૂટ ઉમેરાયા હતા. હવે આ નવા કરાર બાદ બંને કંપનીઓ ભારત અને સિંગાપોર સિવાયના વૈશ્વિક બજારોમાં પણ સાથે મળીને કામ કરવાની તકો શોધશે. આનાથી માત્ર પર્યટન જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો પણ વધુ ગાઢ બનશે.
CEO ના અભિપ્રાય
એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને જણાવ્યું કે, "અમે અમારા કાફલામાં નવા વિમાનો ઉમેરી રહ્યા છીએ અને સિંગાપોર એરલાઇન્સ જેવી મજબૂત કંપની સાથેની ભાગીદારી અમારા ગ્રાહકો માટે લાંબા ગાળાનું મૂલ્ય નિર્માણ કરશે." બીજી તરફ, સિંગાપોર એરલાઇન્સના CEO ગોહ ચુન ફોંગે આને 'વિન-વિન' (બંને પક્ષે ફાયદો) ગણાવતા કહ્યું કે આનાથી બંને દેશોના ટુરીઝમ સેક્ટરને મોટો વેગ મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
